રિયોના તળિયેથી ટોકિયોની ટોચ પર...

નવી દિલ્હી, તા. 24 : ટોકિયો ઓલિમ્પિકમાં દેશને રજતના રૂપમાં પ્રથમ ચંદ્રક અપાવવાનું પરાક્રમ કરનારી મીરાબાઈ ચાનૂની તળિયેથી ટોચ પર પહોંચવાની કહાણી ખરેખર પ્રેરણાદાયક છે. 2016ના રિયો ઓલિમ્પિકમાં ચાનુ 48 કિલોગ્રામની કેટેગરીમાં વજન ઉપાડવામાં જ નિષ્ફળ રહી હતી અને આગળના રાઉન્ડમાં ક્વોલિફાય જ થવામાં નાકામ રહી હતી પણ તેણે હિંમત હારી નહીં અને આજે ડીડ નોટ ફિનિશથી બહાર આવીને ચેમ્પિયન બની ગઈ. મણિપુરની રાજધાની ઈમ્ફાલની મીરાબાઈનો જન્મ 1994ની આઠમી ઓગષ્ટે થયો હતો અને નાનપણમાં તેને તિરંદાજીમાં રસ હતો પણ ઈમ્ફાલની વેઈટલિફ્ટર કુંજરાનીના સુંદર દેખાવને પગલે તેને પણ વેઈટલિફ્ટીંગમાં આગળ વધવાની ઈચ્છાથી અને 11 વર્ષની વયે તો તેણે એક સ્થાનિક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. તેણે જુનિયર વર્લ્ડ અને જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં પણ મેડલ મેળવ્યા હતા. 2014ની કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં તેણે સિલ્વર જીત્યો હતો. રિયોમાં તે વજન ઉપાડી શકી નહીં અને તેના હાથ જાણે અટકી જ ગયા. આ હારને લીધે તે બહુ હતાશ થઈ ગઈ હતી અને મનોચિકિત્સક પાસે પણ ગઈ હતી. એક તબક્કે તેણે આ ક્ષેત્ર મૂકી દેવાનો નિર્ણય લીધો હતો પણ પછી મનને મજબૂત બનાવ્યું હતું. તેણે શાનદાર વાપસી કરી અને 2017માં વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામમાં સુવર્ણ જીત્યો 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ કબજે કર્યો. એપ્રિલ 2021માં તાશકંદમાં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેણે 49 કિલોગ્રામ કેટેગરીમાં ક્લીન એન્ડ જર્કમાં 119 કિલો વજન ઉઠાવીને નવો વિશ્વવિક્રમ રચ્યો હતો. તેને 2018માં દેશના સર્વોચ્ચ રમતગમત એવોર્ડ રાજીવ ગાંધી ખેલરત્નનું બહુમાન અપાયું હતું. તો એ જ વર્ષે પદ્મશ્રીનું સન્માન પણ મળ્યું હતું. તે પોતાની સફળતાનું શ્રેય માતાના સહયોગને આપે છે. અને કહે છે કે માતાએ મારા માટે ખૂબ ત્યાગ કર્યો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer