હોકીમાં કિવીને હરાવી ભારતનો મજબૂત આરંભ

નવી દિલ્હી, તા. 24 : નિર્ણાયક ક્ષણોમાં ગોલકિપર પીઆર શ્રીજેશના શાનદાર પ્રદર્શનના દમ ઉપર આઠ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય પુરૂષ હોકી ટીમે એક ગોલથી પાછળ રહ્યા બાદ મજબૂત વાપસી કરીને ટોક્યો ઓલિમ્પિકના પહેલા મુકાબલામાં ન્યુઝિલેન્ડને 3-2થી હરાવીને શરૂઆત કરી હતી. ન્યુઝિલેન્ડ માટે પહેલો ગોલ છઠ્ઠી જ મિનિટે પેનલ્ટી કોર્નર સ્પેશિયાલિસ્ટ કેન રસેલે કર્યો હતો. રુપિન્દર પાલે દસમી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક ઉપર ગોલ કરીને ભારતને બરાબરી અપાવી હતી. હરમનપ્રીતે 26મી  અને 33મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે ન્યુઝિલેન્ડ માટે 43મી મિનિટે સ્ટીફન જેનિસે બીજો ગોલ કર્યો હતો. લગભગ બરાબરીના મુકાબલામાંમાં આક્રમકતા અને બોલ ઉપર કન્ટ્રોલનો મુદ્દો વારંવાર પલડું બદલતો રહ્યો હતો. મેચમાં ઘણા રેફરલ લેવામાં આવ્યા હતા. જેનાથી દક્ષિણ આફ્રિકાના વીડિયો અમ્પાયર પીટર રાઈટને ઘણી મહેનત કરવી પડી હતી. ભારતનો અનુભવી ગોલકીપર શ્રીજેશે આઠમાંથી છ શોટ બચાવ્યા હતા અને છ પેનલ્ટી કોર્નરમાં માત્ર એક જ વખત નાકામ રહ્યો હતો. ન્યુઝિલેન્ડને મેચ પુરી થવાના 24 સેકન્ડ પહેલા પેનલ્ટી કોર્નર મળ્યો હતો પણ તેમાં નાકામ રહ્યું હતું. વિશ્વ રેન્કિંગમાં ચોથા ક્રમાંકે પહોંચેલી મનપ્રીત સિંહના નેતૃત્વની ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં પદકની દાવેદાર ગણવામાં આવે છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer