એરંડાની ખરીદીમાં ખેડૂતોની ટોપી ફેરવનાર વેપારી છ દિનના રિમાન્ડમાં

ભુજ, તા. 24 : ઉંચા ભાવે એરંડાની ખરીદી કર્યા બાદ ખેડુતોના કરોડો રૂપિયા સલવાવી દેનારા મંગવાણા ગામના વેપારી શૈલેષ નટવર (નાનજી) નાકરાણીને બેંગ્લોરથી ઝડપી લવાયા બાદ પોલીસે તેના છ દિવસના આગામી તા. 30મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. તપાસનીશ પોલીસ ટુકડીએ આજે શૈલેષને અદાલત સમક્ષ રજુ કર્યો હતો. પોલીસની માગણી ગ્રાહય રાખીને ન્યાયાધીશે તહોમતદારને તા. 30મી સુધી છ દિવસના રિમાન્ડ ઉપર લેવા આદેશ કર્યો હતો. રિમાન્ડ તળેની પૂછતાછ આરંભી દેવાઇ છે. જેમાં વધુ વિગતો સ્પષ્ટ થવાની ધારણા સેવાઇ રહી છે.દરમ્યાન આ વેપારીએ એરંડાની ખરીદીને લઇને ભુજ તાલુકાના લોરિયા ગામના ત્રણ અને અબડાસાના નુંધાતડ ગામના 15 ધરતીપુત્રોના કુલ રૂા. 60.64 લાખ સલવાવી નાખ્યા હોવાનું પણ બહાર આવતા આ મામલે અલગઅલગ બે ફરિયાદ દાખલ કરાવાઇ છે. લોરિયાના કિસ્સામાં પ્રતાપાસિંહ ભાણજીભા જાડેજાએ 44.16 લાખની ભુજ બી. ડિવિઝનમાં તથા નુંધાતડના ગોપાલ દામજી ભાનુશાલીએ કુલ 15 ખેડુતો વતી  કોઠારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. લોરિયામાં કેસના ફરિયાદી અને તેમના બે ભાઇઓ પાસે એરંડા ખરીદાયા હતા. જયારે નુંધાતડના કિસ્સામાં ભાનુશાલી જ્ઞાતિના 15 કિસાનો પાસેથી તેમનો વિવિધ પાક ખરીદાયો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer