સાધુવેશમાં છેતરપિંડી અને ઠગાઇના દાવ ખેલનારા પત્રીવાસીના જામીન નામંજૂર

ભુજ, તા. 24 : આ શહેરની ભાગોળે માધાપર હાઇવે ઉપરથી કારની લે-વેંચ કરનારાની મોંઘેરી ફોર્ચ્યુનર કાર લઇને સાધુવેશમાં ભાગેલા તથા બાદમાં બ્યાવર રાજસ્થાનથી પકડાયેલા મૂળ મુંદરા તાલુકાના પત્રી ગામના તથા હાલે રાજસ્થાન રહેતા પ્રદીપ પોપટલાલ શાહની નિયમિત જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. ફોર્ચ્યુનર લઇને ભાગ્યા બાદ પકડાયેલા આ શખ્સના ઠગાઇ અને છેતરપિંડીને સંલગ્ન કિસ્સા પણ પોલીસની તપાસમાં સપાટીએ આવ્યા હતા. દરમ્યાન પોતાની  જે તે સમયે ગાદીપતિ અને મહંત તરીકે ઓળખ આપનારા અને જાળ પાથરનારા પ્રદીપ શાહ માટે અત્રેની છઠ્ઠા અધિક સેશન્સ જજની અદાલત સમક્ષ નિયમિત જામીન અરજી મુકાઇ હતી. ન્યાયાધીશ સી.એન.પવારે બન્ને પક્ષને સાંભળી જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ દિનેશભાઇ જે. ઠકકર રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer