કરોડોનું આંધણ છતાં ભુજ સુધરાઈનો સુએઝ ટ્રીટમેન્ટ પલાન્ટ બંધ

કરોડોનું આંધણ છતાં ભુજ સુધરાઈનો સુએઝ ટ્રીટમેન્ટ પલાન્ટ બંધ
ભુજ, તા. 24 : ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના વહીવટમાં દિનપ્રતિદિન નીતનવા અખતરા થઈ રહ્યાના આક્ષેપ કરીને જિલ્લા કોંગ્રેસે જણાવ્યું છે કે, ભાજપના નેતાઓની આપસી હુંસાતુંસીમાં આખરે ભુજની શાણી પ્રજા હાડમારી ભોગવી રહી છે. હાલમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, સ્થાનિક નગરસેવકો તથા હોદ્દેદારોની ટીમે નાગોર રોડ સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી તો ચોંકાવનારી બાબતો અને વાસ્તવિકતા જોવા મળી. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત બાદ કોંગ્રેસ પ્રમુખ શ્રી જાડેજાએ એક યાદીમાં આક્ષેપ કર્યો હતો કે, અંદાજિત 35થી 40 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે નિર્માણ થયેલી એસટીપીની યોજના ભાજપના સત્તાધીશોની અણઆવડતના પરિણામે તદ્દન નિષ્ફળ નીવડી છે. ભુજના નગરજનોના ટેક્સ-વેરામાંથી નિર્માણ પામનારું એસટીપી પુન: કાર્યરત કરવા નગરપાલિકાનું તંત્ર વિચારતું નથી જે દુ:ખદ છે. વધુમાં આ યોજના અંગે કોઈ જ પ્લાનિંગ કે આયોજન ભવિષ્યને ધ્યાનમાં રાખીને કર્યું નથી. મૂળ યોજના મુજબ દૈનિક 25 એમ.એલ.ડી. ગટરનું પાણી ફિલ્ટર કરી આજુબાજુના ખેતીધારકોને આપી યોજનાનું મેન્ટેનન્સ કરવાનું હતું, પરંતુ ભુજ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે ગટરનું પાણી આ પ્લાન્ટ સુધી પહોંચતું જ નથી. આ પાણી પહોંચે તે પહેલાં આજુબાજુના વાડીધારકો પાણીની ચોરી કરી લે છે. જેમાં મોટાભાગના ભાજપના મોટાં માથાઓ છે. તેની સામે નગરપાલિકાના સત્તાધીશો-પદાધિકારીઓ ઘૂંટણીએ પડયા છે. ઉપરાંત આ એસ.ટી.પી. મુજબ ગટરના પાણીને  ફિલ્ટર કરી ખેડૂતોને વેચી વધારાના ઘન કચરામાંથી રાસાયણિક ખાતર બનાવવાની યોજના હતી પણ કરોડોની મિલકત-મશીનરી નિરર્થક પડી રહી છે. આ બાબતે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં ભુજ નગરપાલિકાના અધિકારીઓ-કલેક્ટરને મળી ઉગ્ર રજૂઆત કરશે અને ઉગ્ર લડત પણ ચલાવશે. આ પ્રતિનિધિ મંડળમાં રફીક મારા, રામદેવસિંહ જાડેજા, કાસમ સમા, માનસી શાહ, આઈસુબેન સમા, હાસમ સમા, અંજલિ ગોર, નરેન્દ્રસિંહ જાડેજા, હમીદ સમા, ખેતુભા જાડેજા, ઈમરાન બ્રેર, રસિકબા જાડેજા, ધીરજ રૂપાણી વિ. સાથે રહ્યા હતા. એવું જિલ્લા પ્રવક્તા દીપક ડાંગરે એક યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer