સત્તા મળશે તો અંજારમાં મૂળ સ્થળે જ વીરાંજલિ પાર્ક બનશે

સત્તા મળશે તો અંજારમાં મૂળ સ્થળે જ વીરાંજલિ પાર્ક બનશે
અંજાર, તા. 24 : અહીં આમ આદમી પાર્ટી `જનસંવેદના' કાર્યક્રમના ભાગરૂપે અહીં વિવિધ ધર્મસ્થાનોના દર્શન કરીને રાજ્યકક્ષાના આગેવાનોએ વીરાંજલિ સ્થળની મુલાકાત લઇને ભૂકંપના શહીદો પ્રત્યે સંવેદના પ્રકટ કરી હતી. અહીં ઇશુદાન ગઢવી સહિતના નેતાઓએ વીડી વિસ્તારમાં આવેલા સંધ્યાગિરિ આશ્રમ હનુમાન ગુફા ગુરુ શ્રી રામાધાર શાત્રીજીના આશીર્વાદ મેળવી નૂતન સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિખ્યાત જેસલ તોરલની સમાધિએ નાની બાલિકાઓ દ્વારા  તિલક-ચાંદલા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. 2001ના વિનાશક ભૂકંપમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને વીરાંજલિ પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરકારની મસમોટી જાહેરાતો છતાં પણ સ્મૃતિ સ્મારક હજુ સુધી પૂર્ણ થયું ન હોવાથી ઇશુદાનભાઇ દ્વારા આકરા પ્રહારો ગુજરાત સરકાર પર કરવામાં આવેલા હતા અને વચન આપ્યું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મૂળ સ્થળે જ સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. ત્યારબાદ અંજાર સોરઠિયા આહીર સમાજવાડી મધ્યે કોરોનામાં અવસાન પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ કોરોનાકાળમાં રાજ્ય સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડેલી હતી તેવું આક્રોશ સાથે અગ્રણીએ ઉમેર્યું હતું. આ જનસંવેદના કાર્યક્રમમાં આંદોલનકારી પ્રવીણ રામ, ભેમાભાઇ ચૌધરી, રમેશ નાભા, વિજય સુવાળા, કે. કે. અંસારી, જિતેન્દ્ર ઠક્કર, હિરેન સોરઠિયા, પ્રશાંત ભટ્ટ, રાજેશ છાંગા તેમજ કોરોનાકાળમાં અવસાન પામેલા છે તેમના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્ય હતા તેમજ બહેનો દ્વારા ભજન-કીર્તન યોજાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer