રદ્દ થયેલાં વિમાનોની રકમ એજન્ટો દ્વારા ચાંઉ

કેરા, (તા. ભુજ), તા. 24 : કોરોનાનાં કારણે વારંવાર સ્થગિત થતાં ઉડ્ડયનો વચ્ચે અનેક વિમાની કંપનીઓએ કુદરતી સંજોગોને ધ્યાને લઇ 100  ટકા રિફન્ડ આપી રહી છે, પણ તે રકમ ઉતારુઓ સુધી ન પહોંચવાનું કૌભાંડ આચરાયાનું બહાર આવ્યું છે. અમુક એજન્ટો તરફ આંગળી ચિંધાઇ રહી છે. કચ્છમિત્ર સમક્ષ ઉતારુઓએ વીતી વર્ણવતાં નામજોગ વિગતો આપી હતી. એર ઇન્ડિયામાં મુંબઇથી નાઇરોબીની ટિકિટ લીધેલું એક દંપતી અસામાન્ય સંજોગાનાં કારણે ફ્લાઇટ રદ્દ થતાં જઇ શક્યું નહીં. તેણે ટિકિટ રદ્દ કરવા પ્રક્રિયા કરી, કંપનીએ 100 ટકા રકમ પરત કરી છે, પણ કચ્છમાંના એજન્ટે પ્રથમ તો માત્ર 20 ટકા રકમ પરત આવ્યાનો જવાબ આપ્યો હતો. બાદમાં આ દંપતીએ આગ્રહ કરતાં તેણે અડધી રકમ આપી હતી. આ બાબતે કચ્છમિત્રે વિવિધ વિમાની કંપનીઓની ભારત અને જે - તે દેશમાંની કચેરીઓ પર ઇમેલથી હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો. અચંબો અને આશ્ચર્ય એ  છે કે એર ટાન્ઝાનિયા, એર સિસલ્સ, કેન્યા એરવેઝ સહિતની કંપનીઓ કહે છે, અમે તમામ રકમ પરત કરી છે. બીજી લહેરની શરૂઆતમાં તાન્ઝાનિયા ગયેલા બે પરિવારોને ફ્લાઇટ બંધ થતાં ટિકિટ કેન્સલ કરાવવી હતી. મુંબઇ સ્થિત મૂળ એજન્ટે પૂરી રકમ પરત કરવા નનૈયો ભણતાં આ પરિવારે લડત ચલાવી હતી અને તાન્ઝાનિયા એર દ્વારા પૂરી રકમ પરત કરાય છે તેવો મેઇલ મેળવ્યો ત્યારે સત્ય સપાટી પર આવ્યું હતું. હકીકત એવી છે કે જે મૂળ એજન્ટે ટિકિટ ખરીદી હોય તેના ખાતાંમાં રિફંડ જમા થતું હોય  છે. તે કેટલી રકમ છે તે સામાન્ય ઉતારુને ખ્યાલ આવતો નથી, જેનો લાભ અમુક એજન્ટો લઇ રહ્યા છે. આ રકમ કરોડોમાં છે. હજારો કચ્છી ઉતારુઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે. તે પૈકી અમુક કાયદાકીય  લડત આદરવા જઇ રહ્યા છે. વિમાની કંપનીના મૂળ એજન્ટ અને કચ્છમાંના પેટા એજન્ટો વચ્ચેની સાઠગાંઠનાં કારણે આવું થઇ રહ્યાનું ચર્ચાય છે. અમુક એજન્ટો પૂરી રકમ પરત કર્યાની સકારાત્મક ઘટનાઓ પણ ચર્ચાય છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer