ગુરુપૂર્ણિમા નિમિત્તે આજે `સંસ્કાર ભારતી'' દ્વારા બે કલાગુરુનું સન્માન

ગુરુપૂર્ણિમા નિમિત્તે આજે `સંસ્કાર ભારતી'' દ્વારા બે કલાગુરુનું સન્માન
ભુજ, તા. 23 : રંગમંચ અને લલિતકળાઓને સમર્પિત એવી અખિલ ભારતીય કલા સંસ્થા `સંસ્કાર ભારતી' દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગુરુપૂર્ણિમા નિમિત્તે આવતીકાલે સવારે સાહિત્ય ક્ષેત્રે ગૌતમભાઇ શાંતિલાલ જોશી અને નાટય ક્ષેત્રે નયનભાઇ રમેશચંદ્ર રાણાનું સન્માન કરાશે. સાહિત્યકાર ગૌતમભાઇ જોશી પ્રા. શાળાથી જ નાટય કલાકાર રહ્યા છે. બાદમાં પોલીસ ખાતામાં જોડાઇને આઇ.બી.માં ઉચ્ચ હોદ્દા પર નિવૃત્ત થયા. તેમણે નામી કલાકારો સાથે એકાંકી ભજવ્યાં છે. રેડિયો નાટકોમાં ભાગ લીધો છે. રણોત્સવ દરમ્યાન કચ્છની પૃષ્ઠભૂમિ પર નવ નાટકો લખ્યા છે. તેમનાં આજ સુધી 35 પુસ્તક પ્રકાશિત થયાં છે, તો ગુજરાત સરકારનો સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. કચ્છમિત્રની લોકપ્રિય કોલમ રંગમંચ 2014થી 2019 સુધી પ્રસિદ્ધ કરી પુસ્તક પ્રગટ કર્યું છે. કચ્છી સાહિત્ય અકાદમીનાં પાંચ પુસ્તક પુરસ્કારો તેમને ફાળે જાય છે. અત્યારે પણ કચ્છમિત્રમાં પાંજી અખાણી કોલમનું સંચાલન કરી રહ્યા છે. તેમનું સન્માન અને  પૂજન શનિવારે સવારે 9-30 કલાકે. જ્યારે કચ્છ નાટય જગતના ભિષ્મ પિતામહ સમાન અને મૂળ ભુજના નયનભાઇ રાણા અભિયનની પાઠશાળા લેખાય છે. તેમણે અનેક એકાંકી અને ત્રિઅંકી નાટકો લખ્યાં છે. ઉપરાંત ડિરેકશન પણ કર્યું છે. કચ્છના મોટા ભાગના નાટય કલાકારાને તેમણે માર્ગદર્શન પૂરું પાડયું છે. તેમણે કચ્છ ઉપરાંત મુંબઇમાં પણ ફિલ્મો, ટી.વી. સિરીયલ અને અનેક એડ.માટે ડિરેકશન કર્યું છે. કચ્છ આવતા અનેક  ફિલ્મી પ્રોડકશનમાં શ્રી રાણાનું માર્ગદર્શન હોય જ છે. ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના નિર્માણમાં પણ  તેમનો સહયોગ રહ્યો છે. નાટકોના અનેક ગૌરવવંતા  એવોર્ડ મેળવ્યા છે. જૂની રંગભૂમિના કલાકારો સાથે કામ કર્યું છે. સૌ પ્રથમ વૃજવાણીનું લેખન અને નાટય રૂપાંતર કર્યું છે. આ નાટયગુરુનું સન્માન અને પૂજન  તેમના નિવાસસ્થાન સવારે 10-30 વાગ્યે કરાશે. જેમાં નાટયપ્રેમીઓ હાજર રહેશે તેવું મંત્રી નિપૂણ સી. માંકડની યાદીમાં જણાવાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer