મોમ્બાસામાં બને છે કચ્છીઓનું મોટું સંકુલ

મોમ્બાસામાં બને છે કચ્છીઓનું મોટું સંકુલ
વસંત પટેલ દ્વારા - કેરા, (તા. ભુજ), તા. 23 : વિશ્વભરમાં પથરાયેલા કચ્છી લેવા પટેલોના સૌથી પ્રથમ હોવાનું જેને ગૌરવ પ્રાપ્ત છે તે મોમ્બાસા લેવા પટેલ સમાજનું નૂતન સંકુલ ન્યાલી વિસ્તારમાં લિંકસ રોડ ખાતે આકાર લઇ રહ્યું છે.મોમ્બાસાથી સમાજના પ્રમુખ ધનજીભાઇ પિંડોરિયાએ આપેલી વિગતો અનુસાર ન્યાલી વિસ્તારમાં કચ્છીઓએ કુલ્લ 10 એકર  ભૂમિ ખરીદી છે તે પૈકી 8 એકર ભગવાન સ્વામિનારાયણના મંદિર માટે છે જ્યારે બે એકર ભૂમિ મોમ્બાસા લેવા પટેલ સમાજ નૂતન સંકુલ માટે છે. આ બે એકર પૈકી 1 એકર જમીન કચ્છ ફોટડીના હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારે ખરીદીને સમાજને દાન આપી છે. આ બે એકરમાં સમાજ માટે  વિવિધ સુવિધાઓ ઊભી કરવાનું કાર્ય પ્રગતિમાં છે, જેમાં 3000 વ્યક્તિ એક સાથે, એક પંગતે જમી શકે તેવો વિશાળ હોલ નિર્માણાધીન છે જે વિશ્વના કોઇપણ લેવા  પટેલ સમાજોના હોલ કરતાં મોટો બનશે.તેમણે ઉમેર્યું કે મોમ્બાસા સમાજ કે મંદિર દરેક સેવાકાર્યોના આધાર હસુભાઇ ભુડિયા છે, તેમની પ્રેરણા, પીઠબળ અને આર્થિક મોટા સહયોગથી પૂર્ણ રફતાર સાથે કાર્ય ચાલુ છે. મિલ્ટ કોમ્પલેક્ષમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી ઇન્ડોર રમતો માટેના મેદાન છે. હોલ છે, સ્ટેજ છે, 6 ફલેટ છે, જે કાયમી આવક માટે ભાડે અપાશે. 1000 કાર પાર્કિંગ થાય તેવી સગવડ રખાઇ છે.  થઇ રહેલા બાંધકામની જમીન અંદરનો ભાગ પૂર્ણ કરી કોલમ બહાર આવી ગયા છે. પ્રથમ સ્લેબની ભરાઇ ટૂંક સમયમાં કરવામાં આવશે. સમાજ બિલ્ડિંગ નિર્માણના કોન્ટ્રાકટર ગામ કેરાના વાપ્કો બિલ્ડર્સ છે. પ્રમુખ ધનજીભાઇ કહે છે કે સમાજને લાગુની જમીન સરકારી છે, તેથી એ ભૂમિ પણ યોગ્ય કાર્ય માટે વાપરી શકાશે. કોરોના ન આવ્યો હોત તો 75 વર્ષની ઉજવણી ધામધૂમથી કરવાના હતા.નોંધપાત્ર વાત એ છે કે વિશ્વમાં જ્યાં જ્યાં લેવા પટેલ સમાજના મોટાં કાર્યો પ્રગતિમાં છે ત્યાં હસુભાઇ ભુડિયાના માધ્યમે મોમ્બાસાનો ઉલ્લેખ થાય છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer