`માતા-પિતા'' જેમ ગુરુની સેવા કરતા વ્યંઢળ શિષ્યો

`માતા-પિતા'' જેમ ગુરુની સેવા કરતા વ્યંઢળ શિષ્યો
અંબર અંજારિયા દ્વારા -  ભુજ, તા. 23 : સંસારમાં જન્મતાંની સાથે જ જીવ અનેક સંબંધોના ઝાળામાં ગૂંથાઈ જ તો હોય છે, પરંતુ વ્યંઢળ હોય તે જન્મના થોડાક સમય બાદ સંસારના ચક્રમાંથી બહાર નીકળી જઈ એકમાત્ર સંબંધના બંધનમાં બંધાય છે, તે છે ગુરુ અને શિષ્યનો. વ્યંઢળોના સમાજમાં વૃદ્ધાશ્રમ હોતા જ નથી. આ સત્યના મૂળમાં સંપૂર્ણપણે પારદર્શક અને પ્રામાણિક એવી `ગુરુ-શિષ્ય' પરંપરા છે. પૂર્વાશ્રમ છોડીને `મઠ'ની સાવેય અજાણી આલમમાં જીવ પ્રવેશે છે ત્યાર પછી તેના નવાં નામ પાછળ વ્યંઢળનું નવું વિશેષણ જોડાઈ જાય છે. આ સમાજમાં સામેલ થવાની શરત સંન્યાસ છે, પછી તે કદી સંસારમાં પાછા વળીને જતા નથી. `અનોખા સંન્યાસ'ની શરતરૂપે ગુરુને પસંદ કરાય છે. `ગુરુપૂર્ણિમા'ના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ `ગુરુશિષ્ય' પરંપરા પ્રામાણિકપણે પાળતા વ્યંઢળ સમાજના સભ્યોએ `કચ્છમિત્ર' સાથે કરેલી વાતોમાંથી ખરેખર માવતરને ન સાચવતા કળિયુગના કપાતરોને શીખ લેવા જેવી છે. આજના કળિયુગમાં પેટના દીકરા માતા-પિતાને સાચવે કે ન સાચવે પરંતુ વ્યંઢળ સમાજમાં શિષ્ય સંતાન બનીને ગુરુની સેવા જીવનના અંતિમ શ્વાસ સુધી કરે છે. વ્યંઢળોના આ સંસ્કાર સતયુગની પ્રતીતિ કરાવે છે. મૂળ માનકૂવામાં જન્મેલા અને છેલ્લા 20 વર્ષથી મઠમાં જીવન જીવતા ટીનાદે માસી `કચ્છમિત્ર' સાથે નિખાલસ ભાવે વાત કરતાં કહે છે કે, રામ ભગવાનના જન્મ સમયથી ચાલી આવતી ગુરુ-શિષ્ય પરંપરા એ જ અમારા સમાજના સોળેસોળ સંસ્કાર.`ગુરુપૂર્ણિમા'ના પર્વ?પ્રસંગે આપના ગુરુને દક્ષિણામાં શું આપશો, તેવા સવાલના જવાબમાં યુવા વ્યંઢળ પહેલાં તો પોતાના ગુરુ અનિતાદે માસીના મુખ સામું જોઈને હસે છે. આ નિર્દોષ સ્મિતની સાથે જ શબ્દોને જોડી દેતાં જવાબમાં ટીનાદે કહે છે કે અમારી પાસે આપવા માટે આમ તો કંઈ જ નથી. પરંતુ એક વાત કહી દઉં કે આખેઆખું જીવન ગુરુને સોંપી દીધું છે, એથી વધુ બીજું શું આપવું... કાળા માથાનો માણસ બાર મહિનામાં એકવાર ગુરુપૂર્ણિમા ઊજવતો હશે, પરંતુ અમારા વ્યંઢળ સમાજને આ તહેવાર માટે  તારીખિયાની ગરજ નથી પડતી. કારણ કે અમારા માટે તો બારે માસ ગુરુપૂર્ણિમા, તેવું અન્ય યુવા વ્યંઢળ ઈલાદે માસી  કહે છે. માનકૂવાની પ્રાથમિક શાળામાં સાતમા ધોરણ સુધી ભણ્યા બાદ માતા-પિતાનું ઘર છોડીને `ગુરુના ઘર' મઠમાં આવી ગયેલા ટીનાદે કહે છે કે, આજેય પ્રાથમિક શાળાના જૂના શિક્ષકો મળે તો માનથી બોલાવે છે અને અમે તેમને વંદન પણ કરીએ છીએ.ગુરુની આજ્ઞા પ્રત્યેક વ્યંઢળના જીવનનો જાણે `બીજમંત્ર'. આ સમાજમાં કોઈ નાત-જાત નથી હોતા, એ જોતાં વ્યંઢળ સમાજ સંપૂર્ણપણે `િબનસાંપ્રદાયિક સમાજ' છે.- વેપારીઓ, તબીબો તરફથી સુંદર સહકાર બદલ આભાર : રોજ સવાર ઊગે ને તાજા શાકભાજી વેપારીઓ પ્રેમપૂર્વક આપે છે, તો અમે બીમાર પડીએ ત્યારે કેટલાક તબીબો પણ સ્નેહપૂર્વક સારવાર કરી આપે છે. માતાજી તેમનાં સંતાનોને સાજા, સુખી રાખે તેવું ટીનાદે ભાવપૂર્વક કહે છે. તેમના ગુરુ અને આશાદે માસીના શિષ્યા અનિતાદે માસીની આંખોના ચારેય ખૂણા વાત કરતાં ભીના થઈ ગયા. અનિતાદે કહે છે કે, કોણે કહ્યું અમારો વંશ નથી હોતો! અમારા શિષ્યો અમારો વંશ છે... વારસદાર છે જ... ભુજના સ્વામિનારાયણ વિદ્યાલયમાં 10મા ધોરણ સુધી ભણ્યા બાદ મઠમાં પ્રવેશી સંન્યાસ લેનાર અનિતાદે માસી કહે છે કે, પાણીની અછત અકળાવતી હોવાથી અમે બોર કર્યો અને માતાજીની કૃપાથી મીઠું પાણી નીકળ્યું. કોઈને કેવી રીતે બોલાવવા, માન આપવું, મર્યાદાપૂર્વક રહેવું જેવા સંસ્કારોનું શિક્ષણ આપવાની સાથોસાથ નાના હોઈએ ત્યારે ખાવું-પીવું, વત્રો વગેરે સગવડો પૂરી પાડી ગુરુ માતા-પિતાની જેમ પાલન-પોષણ કરે. ગુરુ વડીલ થાય, તેના હાથ-પગ થાકે ત્યારે તેની સેવા, સારસંભાળની જવાબદારી શિષ્ય સંતાનની જેમ જ નિભાવે છે. અમારી પાસે મતદાર ઓળખપત્ર - આધારકાર્ડ છે. નેતાઓ મઠમાં મુલાકાતે આવે છે, માતાજીને માથું નમાવે છે. અમને વ્યંઢળોને વંદન કરે છે. અમે મતદાર છીએ. મત આપીએ છીએ એટલે વસ્તીમાં ગણતરી જરૂર થઈ હશે, પરંતુ એ સિવાય અમારા સમાજને કોઈ ગણતરીમાં લેવાતો જ નથી, તેવું વ્યંઢળો વેદનાભર્યા?સ્વરે કહે છે. - રસી અમે લીધી નથી, લેવી નથી, માતાજીની દુઆ છે ! : કોરોના સંકટનો કાળ ચાલે છે. તમે રસી લીધી કે નહીં, તેવું પૂછતાં ટીનાદે કહે છે કે, રસી લીધી પણ નથી, લેવી પણ નથી. માતાજીની દુઆ છે. આ જુઓ ગળે માનો દોરો બાંધ્યો છે. કોરોના અમારા મઠમાં ઊંબરેય નથી આવ્યો. રસ, રુચિ, આવડત અનુસાર વ્યંઢળ સભ્યોને મઠની અંદર અને બહારનાં કામોની જવાબદારી સોંપાય છે. જે પ્રત્યેક કિન્નર સભ્ય સમર્પણ અને નિષ્ઠાથી નિભાવે છે. પ્રત્યેક વ્યંઢળ સાથે વાતાચીતમાં શિષ્ય પણ `એકલવ્ય' જેવો આદર્શ?દેખાયો, તો ગુરુ દ્રોણ જેવા આદર્શ ગુરુ પણ દેખાયા. જીવનથી હારીને આપઘાત જેવી ભૂલ ન કરો, વ્યસન ન કરો, જેવી શીખ પણ વ્યંઢળો સમાજને આપે છે.  સ્વાસ્થ્ય માટે કોઈ યોગાસન, ધ્યાન જેવી કોઈ પ્રવૃત્તિઓ કરો છો, તેવું પૂછતાં વ્યંઢળો કહે છે કે અમે દરરોજ વહેલી સવારના ઊઠતાં જ કામે લાગી જઈએ. મઠની સફાઈ, રસોઈ, વાર-તહેવાર પ્રસંગે ઘેર-ઘેર ભિક્ષા માટે સતત વિચરણ કરીએ. આમ શરીર સતત ચાલતું રહે એટલે આપોઆપ કુદરતી કસરત થઈ જાય. વ્યંઢળ સમાજમાં `દર્શન' હોય છે, `પ્રદર્શન' નહીં. જીવનનું તત્ત્વચિંતન ગુરુ સતત શીખવતા રહે છે. મઠની મુલાકાત મજાની રહી. વ્યંઢળોએ વહાલભેર આવકાર આપ્યો એ જોઈને એવું થયું કે માત્ર વારે-તહેવારે જ આપણા ઘરના ઊંબરે આવતા વ્યંઢળોનેય વહાલભેર આવકાર આપવો જોઈએ. વડીલ બની જાય પછી ગુરુના નિત્યક્રમમાં `ટેકણલાકડી' બનવું દરેક શિષ્યનો નિત્યક્રમ બની રહે છે, તેની પ્રતીતિ નજરોનજર થઈ. બે કલાક જેટલા સમય સુધી `ગુરુ-શિષ્ય' પરંપરાના પાલક વ્યંઢળ સભ્યો સાથે મેળાવાના અંતે મઠ છોડતી વખતે દરવાજેથી પાછું વળીને નજર કરી તો પ્રત્યેક ગુરુમાં ગુરુ હોવાનું ગૌરવ અને પ્રત્યેક શિષ્યના ચહેરા પર શિષ્ય હોવાનો સંતોષ કળી શકાતો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer