રાજ્યની પ્રથમ ઇ. મર્સીડીઝ કચ્છના રાજ કુટુંબના દ્વારે

રાજ્યની પ્રથમ ઇ. મર્સીડીઝ કચ્છના રાજ કુટુંબના દ્વારે
ભુજ, તા. 23 : પેટ્રોલ અને ડીઝલના ઉત્તરોત્તર વધી રહેલા ભાવને લઇને એકબાજુ સી.એન.જી. ગાડીઓની માર્કેટ તેજ બનવા લાગી છે, તો બીજીબાજુ વિદ્યુત પુરવઠા થકી ચાલતા વાહનોનો ક્રેઝ પણ વધવા લાગ્યો છે. આ સ્થિતિ વચ્ચે ઇંધણની બચત અને પર્યાવરણ જાળવણી સહિતના હેતુસર કચ્છના રાજ પરિવારે નોંધાવેલી વીજળીથી ચાલતી મર્સીડીઝ બેન્ઝ કાર તેમના દ્વારે કચ્છી નવા વર્ષના દિને જ પહોંચી છે. રૂા. 1.06 કરોડની કિંમતનું અત્યંત આધુનિક સવલતો સાથેનું વાહન વસાવનાર તરીકે કચ્છનો રાજવી પરિવાર રાજ્યમાં પ્રથમ બની રહ્યો છે, તો દેશમાં આ પ્રકારની ચોથી કાર આવી છે. કચ્છના રાજવી પરિવારના મહારાવ સદ્ગત પ્રાગમલજી ત્રીજાનો કારપ્રેમ જાણીતો છે. તેમની પાસે બહુ ઓછી જોવા મળે તેવી કારનો કાફલો પણ રહી ચૂકયો છે. પર્યાવરણ જાળવણીના પણ હિમાયતી અને આગ્રહી એવા આ રાજમોભીએ મર્સીડીઝ કાર તરફના રજવાડાઓના આકર્ષણ સહિતના પાસાઓને કેન્દ્રમાં રાખીને મર્સીડીઝ બેન્ઝ કાર બુક કરાવી હતી. જર્મનીની કંપનીથી આવેલી આ મર્સીડીઝ બેન્ઝ ઇ.કયુ.સી.-400 કોરોના કાળના કારણે ચાર મહિના મોડી ડિલિવરી થઇ શકી છે. ખાસ વ્યવસ્થાના ભાગરૂપે ભુજ લઇ અવાયેલી રાજ્યની આ પ્રથમ ઇ. મર્સીડીઝ કચ્છના રાજકુટુંબના આંગણે કચ્છી નવા વર્ષ આષાઢી બીજના દિવસે જ પહેંચી હતી. રાજાશાહીના સમયથી રજવાડાઓમાં કારની દૃષ્ટિએ મર્સીડીઝ કારનો અનેરો ક્રેઝ આજ સુધી જળવાઇ રહ્યો છે. આ પરંપરા જાળવી રાખવા સાથે કચ્છના રાજમોભી પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતીમાં આ મર્સીડીઝ બુક કરાવી હતી, પણ કારની ડિલિવરી કોરોના કાળ થકી ચાર મહિના મોડી પડી હતી અને આ દરમ્યાન કચ્છના આ રાજવડેરા દિવંગત થયા હતા. તેમની અનઉપસ્થિતિમાં કચ્છી નવા વર્ષે મળેલી કારની ડિલિવરી પરિવારના મહારાણી પ્રીતિદેવી અને પ્રાગમલજી ત્રીજાએ નિયુકત કરેલા તેમના પ્રતિનિધિઓ કૃતાર્થસિંહ જાડેજા, મયૂરધ્વજસિંહ જાડેજા અને ઇન્દ્રજિતસિંહ જાડેજા વગેરેએ સ્વીકારી હતી. રાજ પરિવારના કુંવર ઇન્દ્રજિતસિંહ સાથે વાતચીત કરતાં તેમણે મર્સીડીઝ બેન્ઝ કાર વિશે જણાવ્યું હતું કે, રૂા. 1.06 કરોડમાં પહેંચતી થયેલી આ કાર સંપૂર્ણ સ્વયંસંચાલિત છે. 408 હોર્સ પાવરના એન્જિન સાથેની આ કારમાં અત્યાધુનિક ટેકનોલોજી સાથેની વિવિધ સુવિધાઓ જોડાયેલી છે. 785 હોર્સપાવર સાથે પીકઅપ પકડી શકતું આ વાહન એક્ટિવ બ્રેક, સ્વંય સમતુલા જાળવતી બેઠક સાથેની સવલતો ઉપરાંત તેમાં આંતરિક ભાગે વિવિધ 64 જાતની લાઇટ પણ ગોઠવી શકાય છે.  સાથેસાથે તેમાં સ્વંય મસાજની વ્યવસ્થા સાથે કારની સાત એરબેગ જોડવા સાથે સલામતિની દૃષ્ટિએ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાર્જિંગ કર્યા બાદ 450   કિ.મી. સુધી ચાલતી આ કારને ચાર્જ કરવા માટે સાડા સાત કલાકનો સમય લાગે છે. તેવું ઇન્દ્રજિતસિંહે ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer