ચાર દશક બાદ ચંદ્રક જીતવાના હોકી ટીમના અભિયાનનો આજથી પ્રારંભ

ટોક્યો, તા.23: ચાર દશકમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું સાકાર કરવા થનગનતી ભારતીય હોકી ટીમ તેના ટોક્યો અભિયાનનો પ્રારંભ શનિવારે ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ મેદાને પડીને કરશે. રિયોથી ટોક્યો સુધીમાં વિશ્વ ક્રમાંકમાં ચોથા સ્થાને પહોંચનાર ભારતીય ટીમ પરિપકવતાની એક લાંબી સફર કાપી છે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે. કોચ ગ્રેહામ રીડના અનુસાર કોરોના મહામારી છતાં ટીમની તૈયારી પર્યાપ્ત છે અને પોડિયમ સુધી પહોંચવાનો વિશ્વાસ છે. ન્યુઝીલેન્ડ વિરૂધ્ધનો મેચ ભારતીય સમય અનુસાર શનિવારે સવારે 6-30થી શરૂ થશે. કપ્તાન મનપ્રિત સિંઘે જણાવ્યું હતું કે ઘણી મોટી ટીમોને હરાવવાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. કોરોના મહામારી છતાં ફિટનેસના મામલે અમારી ટીમે શ્રેષ્ઠ છે. તમામ ખેલાડીએ યો યો ટેસ્ટ પાસ કરી લીધો છે. અમે મેચ દર મેચ રણનીતિ બનાવશું. હાલ અમારું લક્ષ્ય કવાર્ટર ફાઇનલ છે. નિષ્ણાતોનું પણ માનવું છે કે ભારતીય હોકી ટીમ ચાર દશક બાદ ચંદ્ર ક જીતી શકે છે. ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતીય પુરુષ હોકી ટીમ 8 ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે, પણ આખરી મેડલ 1980 મોસ્કોમાં મળ્યો હતો. પાછલા ચાર વર્ષમાં ભારતે એશિયા કપ (2017), એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (2018), એફઆઇએચ સિરીઝ ફાઇનલ (2019) તેના નામે કરી છે. જયારે 2018ના વિશ્વ કપમાં ભારતીય ટીમ અંતિમ આઠ સુધી પહોંચી શકી હતી. ભારતીય ટીમમાં સર્વશ્રેષ્ઠ ગોલકીપર પૈકિનો પી. આર. શ્રીજેશ, અનુભવી ડિફેન્ડર બીરેન્દ્ર લાકડા, હરમનપ્રિતસિંઘ અને રૂપિન્દરપાલ છે. ફોરવર્ડમાં મનદિપ અને મિડફિલ્ડમાં કપ્તાન મનપ્રિત છે.બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ ટોકયો ઓલિમ્પિકમાં અન્ડર ડોગ તરીકે ઉતરશે. તેણે 1976ના મોન્ટ્રિયલ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. તેની પાસે સ્ટીફન જેનેસ અને હુજો ઇંગલિસ જેવા જોરદાર સ્ટ્રાઇકર છે. જયારે કેન રસેલ પેનલ્ટી કોર્નર વિશેષજ્ઞ છે. ગ્રુપ એમાં ભારત ગત ચેમ્પિયન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યુઝીલેન્ડ અને સ્પેન સાથે છે. બધી ટીમો એક-બીજા સાથે ટકરાશે. બન્ને ગ્રુપની ટોચની ચાર ટીમ કવાર્ટર ફાઇનલમાં પહોંચશે. ગ્રુપ બીમાં બેલ્જિયમ, કેનેડા,જર્મની, બ્રિટન, નેધરલેન્ડસ અને દ. આફ્રિકા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer