ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક બનશે?

ટોકયો, તા.23: ટોક્યો ઓલિમ્પિકમાં શનિવારનો દિવસ ભારતીય ખેલ ઇતિહાસ માટે ઐતિહાસિક બની શકે છે. 24 જુલાઇએ ભારત તરફથી ચંદ્રકના પ્રબળ દાવેદાર કેટલાક ખેલાડી મેદાને પડશે અને આવતીકાલે જ ભારતને યુવા નિશાનેબાજ ચંદ્રકની ભેટ આપશે તેવી આશા છે. ટોકયો ઓલિમ્પિકમાં ભારતને સૌથી વધુ ચંદ્રકની આશા નિશાનેબાજો તરફથી છે. શનિવારે 10 મીટર એર રાયફલના પુરુષ અને મહિલા વિભાગના કવોલીફાઇ રાઉન્ડ અને ફાઇનલ રાઉન્ડ રમાશે. જેમાં મહિલા વિભાગમાં ભારત તરફથી ગુજરાતની ખેલાડી અનાવેનિલ વાલારિવાન અને અપૂર્વી ચંદેલા નિશાન તાકશે. અનાવેનિલ હાલ 10 મીટર એર રાયફલમાં વિશ્વ ક્રમાંકમાં નંબર વન છે. તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી મહિલા નિશાનેબાજ શનિવારે બને તેવી પ્રબળ સંભાવના છે. અપૂર્વી ચંદેલા પર ચંદ્રક અપાવી શકે છે. તો પુરુષ વિભાગમાં સૌરભ ચૌધરી ભારતને 10 મીટરમાં લગભગ ગોલ્ડ અપાવી શકે છે. આ યુવા નિશાનેબાદ ભારતનો મેડલનો સૌથી પ્રબળ દાવેદાર છે. તેની સાથે અનુભવી અભિષેક શર્મા પણ રેન્જ પર કિસ્મત અજમાવશે. શનિવારે ફરી તીરંદાજો મેદાનમાં ઉતરશે. મિકસ ડબલ્સમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની ભારતીય જોડી મેડલ રાઉન્ડ માટે નિશાન તાકશે. આ ઉપરાંત મીરાબાઇ ચાનૂ જે ભારતની એકમાત્ર વેઇટ લિફટર છે. તે આવતીકાલે 49 કિલો વર્ગમાં ચંદ્રક જીતવા ઉતરશે. તે પોડિયમ સુધી પહોંચશે તેવું માનવામાં આવે છે. એવી સંભાવના છે કે કર્ણમ મલેશ્વરી બાદ મીરાબાઇ ચાનૂ વેઇટ લિફટીંગમાં ભારતને બીજો ચંદ્રક અપાવશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer