કચ્છમાં ત્રણ માનવ જિંદગી રોળાઈ

ગાંધીધામ, તા. 23 : અંજાર તાલુકાનાં વરસાણામાં રહેતા સુલતાન આરબ હિંગોરજા (ઉ.વ. 34)એ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજીતરફ, ભુજનાં ભારાપરમાં અરવિંદ ખમીશા કોળી (ઉ.વ. 40)એ ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન આ યુવાનનું મોત થયું હતું તેમજ રાપરના ભીમાસર-પદમપર વચ્ચે ટ્રેનની હડફેટે ચડતાં ભરત ગંગારામ કોળી (ઉ.વ. 26)એ પોતાનો જીવ ખોયો હતો.વરસાણા મસ્જિદની પાછળ રહેતા અને મુસાફર છકડો ચલાવતા સુલતાન હિંગોરજાએ અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન ગઈકાલે બપોરે પોતાનાં ઘરે હતો, ત્યારે લોખંડના એંગલમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને કેવાં કારણોસર અંતિમ પગલું ભરી લીધું હશે તે અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વધુ એક આપઘાતનો બનાવ ભુજનાં ભારાપર વાડી વિસ્તારમાં બન્યો હતો. ભુજમાં રહેતા મહિપાલસિંહ સુરેન્દ્રસિંહ ઝાલાની અહીં વાડી આવેલી છે, જ્યાં અરવિંદ કોળી નામનો યુવાન ખેતમજૂરી કરતો હતો. ગઈકાલે સવારે આ યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બેભાન અવસ્થામાં આ યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સારવાર દરમ્યાન ઢળતી  બપોરે આ યુવાનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ યુવાને કેવાં કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. અપમૃત્યુનો ત્રીજો બનાવ ભીમાસરથી પદમપર જતા રેલવે પાટા ઉપર બન્યો હતો. ભીમાસરમાં રહેનારો ભરત કોળી નામનો યુવાન માનસિક અસ્થિર હતો અને વારંવાર તે પોતાનાં ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર  જતે રહેતો હતો, જેને બાદમાં પરિવારજનો શોધી કાઢીને પરત ઘરે લાવતા હતા. ગત તા. 22/7ના 3 વાગ્યાના અરસામાં આ યુવાન ફરી પાછો કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે કહ્યું હતું કે, ભીમાસર-પદમપર વચ્ચે કોઈ ટ્રેનની હડફેટે ચડતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer