ફૂંકાયા વિના `તાઉતે'' વાવાઝોડું કચ્છને નડયું

ભુજ, તા. 23 : તાઉતે વાવાઝોડું કચ્છ ભલે નહીં આવી ને એક મોટી રાહત આપી, પરંતુ આ ચક્રવાતની આડ અસરની કળ હજુ વળી નથી. અમરેલી  સહિતના જિલ્લામાં વેરેલી ખાના-ખરાબીના કારણે ખાસ કરીને એ જિલ્લાઓની ખેતીવાડીનો વીજ પુરવઠો  હજુ પૂર્વવત થયો નથી ને માલ સામાન કચ્છમાંથી મોટાભાગનો ત્યાં મોકલી દેવાતા જિલ્લામાં નવા વીજ જોડાણ માટે અરજદારોને રાહ જોવી પડી રહી છે. કચ્છમાં જે રીતે અગાઉ વીજ જોડાણ ઝડપભેર મળી જતા હતા એ છેલ્લા બે મહિનાથી વિલંબમાં પાડી ગયા હોવાની માહિતી મળતાં તપાસના અંતે જાણવા મળ્યું કે, પશ્ચિમ ગુજરાત વીજ તંત્રની કચ્છ જિલ્લાની માલ-સામગ્રી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં મોકલી આપવામાં આવે છે.પીજીવીસીએલની માલ-સામગ્રીની વ્યવસ્થા પ્રમાણે અમુક સામાન દરેક જિલ્લામાં જ ઓર્ડર પ્રમાણે લેવામાં આવે છે. જેવા કે, વીજ પોલ અને ફેબ્રિકેશન મોટાભાગના અમરેલી અને ગીર-ગઢડા વિસ્તારમાં રવાના કરવામાં આવે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કચ્છમાં સિમેન્ટના વીજપોલ દરરોજ 60થી 70 બને છે અને જે બને છે તે તમામ કચ્છ બહાર રવાના કરી દેવામાં આવે છે.વાવાઝોડાથી પ્રભાવિત થયેલા અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ઉના ઉપરાંત ગીર-ગઢડા જિલ્લાના ખેતીવાડી વિસ્તારો આજેય પ્રભાવિત છે. હજુ પણ અનેક ખેતીવાડી ફિડર બંધ હોવાથી ધીમે ધીમે ચાલુ કરવામાં આવી રહ્યા છે.કચ્છની વીજતંત્રની ટીમો પણ એ વિસ્તારોમાં કામ કરી રહી છે. આ પરિસ્થિતિના કારણે કચ્છમાં વીજ પોલ, ફેબ્રિકેશન, તાણિયા, કન્ડક્ટર વગેરેની સામગ્રીની મોટી અછત સર્જાઇ ગઇ છે. છેલ્લા ત્રણેક મહિનાથી આ સ્થિતિના કારણે વીજ જોડાણોની પ્રતીક્ષા યાદી લાંબી થતી જાય છે અને જુદા જુદા પ્રકારના વીજ કનેકશન આપી શકાતા નથી. મળેલી માહિતી પ્રમાણે કચ્છમાં ઘરવપરાશથી માંડી ઔદ્યોગિક, કોમર્શિયલ એમ મળીને ભુજ તથા અંજાર સર્કલ હેઠળ 900 જોડાણ આપી શકાતા નથી. જેમાં માંડવી ડિવિઝન હેઠળ 200થી વધુ, નખત્રાણા ડિવિઝનમાં દોઢસો જોડાણ વેઇટીંગ લીસ્ટમાં છે, જ્યારે?ખેતીવાડીના વીજ જોડાણો પશ્ચિમ વિભાગમાં 290 અને પૂર્વ વિભાગમાં 150 રાહ જોઇ  રહ્યા છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓના બંધ રહેલા વીજ પુરવઠાને પૂર્વવત કરવા હજુ બે મહિનાથી  ટીમો કામ કરી રહી છે અને અન્ય જિલ્લાઓની જેમ કચ્છની સામગ્રી પણ ત્યાં જ ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાથી કચ્છને મોટી  અસર આ વાવાઝોડાથી  થઇ રહી છે. આ અંગે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર અમૃત ગરવાનો સંપર્ક સાધતાં હકીકતને સમર્થન આપીને કહ્યું કે, જ્યાં અત્યારે વધુ જરૂરી છે ત્યાં માલ મોકલવામાં આવે છે, પરંતુ એનો મતલબ એ નથી કે કચ્છમાં કામગીરી બંધ પડી ગઇ છે. નિયમો પ્રમાણે ખેતીવાડીના વીજ જોડાણો 90થી 100 દિવસમાં અને ઘર વપરાશના કે અન્ય જોડાણ એક માસમાં આપી દેવામાં આવે છે અને જરૂરિયાત મુજબ સામગ્રી કચ્છમાં ઉપયોગ કરી લેવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer