સુરત જિલ્લામાં લૂંટના ઇરાદે ટોળીએ કરેલી હાથાપાઇમાં એક લૂંટારુનું મોત

ભુજ, તા. 23 : મુંબઇના કાથા બજાર મસ્જિદ બંદરમાં મુંબઇથી કચ્છ ડેઇલી પાર્સલ સર્વિસ સાથે સંકળાયેલી કચ્છી પેઢી મહારાજા ટ્રાન્સલાઇનરના ટેમ્પા ચાલક અને લૂંટારુ ટોળકી વચ્ચે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ પાસે લૂંટના ઇરાદા વચ્ચે?થયેલી હાથપાઇમાં લૂંટારુ ટોળકીના એકનું મોત થયું હતું અને ટેમ્પોચાલકને ગંભીર પ્રકારની ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયો છે.આધારભૂત સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું કે, મહારાજા ટ્રાન્સલાઇનરનું વાહન એમ.એચ. 04 એફપી 3105 ટાટા 1108 તા. 19/7ની રાત્રે નવ વાગ્યે મુંબઇ ડોમ્બિવલીથી પરચૂરણ સામાન ભરી નીકળ્યું  હતું. થોડોઘણો માલ વાપી ઓફિસ ખાલી કરીને બીજા દિવસે કચ્છ તરફ આવી રહ્યું હતું ત્યારે સુરત જિલ્લાના કામરેજ પાસેના વાવ ગામ પાસે સાંજે 6 વાગ્યાની આસપાસ ટાયરમાં પંકચર પડતાં એ જ ટ્રાન્સપોર્ટની બીજી ગાડીના ડ્રાઇવર ટાયર બદલતા હતા ત્યારે આ ઘટના બની હતી. ત્રણ જણ લૂંટના ઇરાદે મોટરસાઇકલ પર આવીને બંને ડ્રાઇવર પાસેથી પૈસાની  માગણી કરતાં બબાલ સર્જાઇ હતી અને ડ્રાઇવરે પૈસાની ના પાડતાં લૂંટારુ ટોળકીના એક જણે ટેમ્પોચાલક મૂળ ઉત્તરપ્રદેશના બસ્તીપુર ગામના અને બે વર્ષથી ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરી કરતા સુનીલ દયારામ નિશાદ (ઉ.વ. 28)ને ચપ્પુ મારતાં તે ઘાયલ થઇ ગયો હતો. આ દરમિયાન બીજા ટેમ્પોનો  ડ્રાઇવર શાલીકરામ ગિરધારીલાલ યાદવ (ઉ.વ. 35) રહે. જુનેદપુર આંબેડકરનગર (ઉ.પ્ર.) ટ્રક નં. એમએચ 42 ટી-7302એ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો અને વાટાળુઓ આવી જતાં લૂંટારુઓ મોટરસાઇકલ લઇને ભાગ્યા હતા. આ દરમિયાન ડ્રાઇવર શાલીકરામે  ભાગતા લૂંટારુઓને પકડવા ટામી ઘા કરતાં કામરેજનો કુણાલ રાજેશ દેશમુખ (ઉ.વ. 25) પડી જતાં પકડાઇ જવાના ભયે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ હથિયાર પોતાના પેટમાં નાખી દેતાં તે ઘાયલ થઇ ગયો. તેને હોસ્પિટલ લઇ જવાયો પણ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ બનાવને લઇને કાર્યવાહી કરી રહી છે, ત્યારે ટ્રાન્સપોર્ટ પેઢીના માલિક પરેશ રાજગોરે કચ્છમિત્ર સાથે કરેલી વાત મુજબ છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારીને લઇને  સુરત-વાપી-બાજુ આવેલી ફેક્ટરીઓ, ઉદ્યોગના કામકાજ મંદા પડી ગયા છે તેનાં કારણે કામદારો પણ બેકાર થતાં ઘણા સમયથી વાપી અને સુરત વચ્ચે અવાર-નવાર લૂંટફાટના બનાવો બની રહ્યા છે. તેમણે દિવસે બનેલી ઘટના ગંભીર બાબત ગણાવીને પોલીસે આ માર્ગે પેટ્રોલિંગ તરફ ધ્યાન આપવાની માગણી કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer