બારોઇમાં મકાન અને હાલાપર-સાભરાઇ વચ્ચે જમીન પચાવવા મામલે નવા કાયદા મુજબ ફોજદારી

ભુજ, તા. 23 : મુંદરા નગરની હદમાં સમાવી લેવાયેલા બારોઇ વિસ્તારમાં ભાડેથી રખાયેલું રહેણાંકનું મકાન પચાવી પાડવાના ઇરાદે ખાલી ન કરવા મામલે મુંદરાના હાલમાં જ આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ બનેલા સંજય શાંતિલાલ બાપટ સામે જમીન પચાવી પાડવાને સંલગ્ન કાયદા તળે ગુનો દાખલ કરાયો છે. તો બીજી બાજુ  માંડવી તાલુકામાં હાલાપર અને સાભરાઇ વચ્ચેના સીમાડામાં આવેલી જમીન પચાવી પાડવા માટે આ જમીન ઉપર દબાણ કરવાના મામલે કોટાયા (માંડવી)ના માણશી ખેતશી ગઢવી સામે પણ આ જ કાયદા તળે ગુનો દાખલ કરાયો છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી અનુસાર બારોઇ ગામના વિસ્તારમાં સર્વે નંબર 72/1 પૈકી/1 ખાતે આવેલા મૂળ મોટા આસંબિયા (માંડવી)ના વતની અને હાલે મુલુન્ડ (મુંબઇ) રહેતા  હીરાબેન નાગજી છેડાએ મુંદરાના સંજય શાંતિલાલ બાપટ સામે આજે મુંદરા પોલીસ મથકમાં જમીન પચાવી પાડવા સબંધી નવા કાયદા તળે ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગે લખાવાયેલી ફરિયાદ મુજબ ફરિયાદીનું આ મકાન આરોપીએ જુલાઇ-2019માં છ મહિના માટે ભાડે લીધું હતું. આ પછી મકાન પચાવી પાડવાના ઇરાદે ખાલી ન કરી કબ્જો જમાવવા સાથે મકાન તેણે પચાવી પાડયું છે. છેલ્લા દોઢ વર્ષથી આરોપીએ માસિક રૂા. નવ હજાર લેખે ભાડું અને વીજળીના બિલના રૂા. 33,504 ન ચૂકવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.જ્યારે હાલાપર અને સાભરાઇ ગામ વચ્ચે સર્વે નંબર 362/1 ખાતે આવેલી ખેતીની જમીન ઉપર ગેરકાયદે કબ્જાના મામલે મૂળ સાભરાઇ ગામના વતની અને હાલે મુંબઇમાં જુહુ ચર્ચ ખાતે રહેતા અમૂલ કલ્યાણજી ગડાએ કોટાયા ગામના માણશી ખેતશી ગઢવી સામે આજે ગઢશીશા પોલીસ મથકમાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદી પરિવાર મુંબઇ વસતો હોઇ તેમની ગેરહાજરીમાં આ જમીન ઉપર દબાણ સાથે ખેડાણ કરી દબાણ દૂર ન કરવા સાથે આરોપી દ્વારા ધાકધમકી કરાઇ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. આ બન્ને કિસ્સા બાબતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કરાયેલા હુકમ અન્વયે પોલીસ દ્વારા ગુના દાખલ કરાયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer