પાકા રસ્તા એ વિકાસનું પહેલું સોપાન

પાકા રસ્તા એ વિકાસનું પહેલું સોપાન
નિરોણા (તા. નખત્રાણા) તા. 23 : ગુજરાત રાજ્ય અને દેશની ભાજપ સરકારનો એકમાત્ર ઉદેશ્ય વિકાસ છે. જેમાં પાકા રસ્તાના કામોને અગ્રતા આપવામાં આવી છે. પાવરપટ્ટીના પહાડી વિસ્તારમાં આવેલા અનેક ધાર્મિક સ્થળો સાથે સાંકળતી વર્ષો જૂની ગાડાવાટને લઈ શ્રદ્ધાળુઓ ભારે પરેશાન હતા. કાચા રસ્તાને પાકા કરવાની વર્ષો જૂની માંગ આજે પૂર્ણ થઈ છે તેવું આ વિસ્તારના બિબ્બરથી દક્ષિણે ડુંગરાળ પ્રદેશમાં આવેલા ગડુવાદાદા અને ભગતવીડી ધામને હાઈવે સાથે સાંકળતા રૂા. 2 કરોડ અને નાની ગોધિયારથી ચંદ્રનગર વચ્ચેના રૂા. 1.7 કરોડના ખર્ચે તૈયાર થનાર ડામર રોડના કામોનું ખાતમુહૂર્ત કરતાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું.તેમણે વધુમાં કચ્છમાં સિંચાઈ માટે નર્મદાના વધારાના પાણીમાં નખત્રાણા અને પાવરપટ્ટીના રુદ્રમાતા અને નિરોણા ડેમને અગ્રતા આપવામાં આવી છે. રોડ ઉપરાંત શાળાઓ, પંચાયત, આંગણવાડીઓ જેવા અનેક વિકાસના કામો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.આ પ્રસંગે નખત્રાણા તા.પં.ના પ્રમુખ જયસુખભાઈ પટેલે તથા કચ્છ જિલ્લા રબારી એજ્યુકેશન ટ્રસ્ટના મોવડી વેલાભાઈ રબારીએ રોડની માગણી સંતોષવા બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ કરસનજી જાડેજાએ વિકાસના કામો સાથે પંથકમાં આરોગ્ય સેવા પણ સુદ્રઢ કરવામાં આવશે તેમ કહ્યું હતું. દીપ પ્રાગટય કરી આશીર્વચન આપતાં બિબ્બર ડુંગરશી ભગત આશ્રમના મહંત જગજીવનદાસ ભગતે ડુંગરોની ખીણો વચ્ચે રહી સંતોએ તપોબળ દ્વારા જીવમાત્રનો ઉદ્ધાર કર્યો છે. પંથકમાં દુકાળની પરિસ્થિતિ વચ્ચે પણ સાધના અને સિદ્ધિના બળે લોકોની પ્યાસ બુઝાવી છે ત્યારે આ પાકા રોડના નિર્માણથી સંતોનો આત્મા પણ સંતોષ પામી આશીર્વાદ વરસાવશે તેમ કહ્યું હતું. આ પ્રસંગે રાજેન્દ્રસિંહ જાડેજા (જિ.પં. સદસ્ય), દિલીપભાઈ નરસિંગાણી (પ્રમુખ, નખત્રાણા તા. ભાજપ), મહેન્દ્રસિંહ સોઢા (નખત્રાણા તા. કારોબારી ચેરમેન), ભાજપના અગ્રણીઓ હરિસિંહ રાઠોડ, ગજુભા જાડેજા, ખેંગારભાઈ રબારી, રમેશભાઈ આહીર (નિરોણા), રાજેશ ભાનુશાલી, ચંદનસિંહ રાઠોડ, લાલજીભાઈ રામાણી, ડાયાભાઈ પાચાણી, રવિભાઈ નામોરી, ભીભાજી જાડેજા, કિરણ ભાનુશાલી વગેરેનું ગામલોકો અને રબારી સમાજના અગ્રણીઓ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ગડુવાદાદા યાત્રાધામના પૂજારી અને રબારી સમાજના અગ્રણી જેશાભાઈ ભોપાએ આ ધામ પર તા.પં. નખત્રાણા દ્વારા 3 લાખના ખર્ચે પાણીનો ટાંકો, વન વિભાગ તરફથી રૂા. 10 લાખના ખર્ચે ઉપવન સંકુલ તેમજ  નિરોણા ગ્રા.પં. દ્વારા રૂા. 3 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલની મંજૂરી અંગેની જાણકારી આપી આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા રબારી સમાજના અગ્રણીઓ મંગલભાઈ રબારી, પનાભાઈ ભોપા, પબાભાઈ રબારી (નિરોણા), પચાણભાઈ રબારી, હીરાભાઈ રબારી, સોમાભાઈ રબારી ઉપરાંત સાંગનારા, ભારાપર, વડવા, સામત્રા, સણોસરા, ઉગેડી ગામોમાંથી પણ મોટી સંખ્યામાં રબારી સમાજના મોવડીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer