`આપ''ની સરકાર રચાશે તો સ્વચ્છ અને સુઘડ વહીવટ આપવાનો અપાયો કોલ

`આપ''ની સરકાર રચાશે તો સ્વચ્છ અને સુઘડ વહીવટ આપવાનો અપાયો કોલ
મોટા ભાડિયા/મુંદરા, તા. 23 : આમ આદમી પાર્ટીના કચ્છમાં યોજાઇ રહેલા `જનસંવદના' કાર્યક્રમ આજે માંડવી અને મુંદરામાં યોજાયા હતા. જેમાં નેતા ઇશુદાનભાઇ ગઢવીએ પોતાના વકતવ્યમાં મોંઘવારી, ઓકિસજન સહિતના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે માંડવી અને મુંદરામાં કહ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય વિષયક અલ્પ સગવડોના કારણે એક પણ મૃત્યુ નથી થયું એમ કહેનારી સરકાર રાજ્યનું અપમાન કરે છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કણસેલા રાજ્યના લોકો આ વિધાનનો જવાબ માગે છે એવું ગુજરાત આમ આદમી પાર્ટીના વડાએ જણાવ્યું હતું. જૈનપુરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઈશુદાન ગઢવીએ આગામી 2022ની યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જો આપની સરકાર રચાશે તો સુઘડ અને સ્વચ્છ વહીવટનો કોલ આપ્યો હતો. પાર્ટીને વધુ મજબૂત કરવા વધુ લોકો આપમાં જોડાય તે માટે આહ્વાન આહ્વાન કર્યું હતું. પ્રારંભમાં માંડવીમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓને પુષ્પાંજલિ અર્પિત કરાઈ હતી. પ્રદેશના આગેવાનો પ્રવીણભાઈ રામ, વિજયભાઈ સુવાળા, મહિલા અગ્રણી રિયાબેન સંઘાર સહિતનાએ આપની પાર્ટીની કાર્યપદ્ધતિ અને નીતિ-રીતિના ઓવારણા લીધા હતા. આ અવસરે શહેર અને તાલુકામાંથી 50 જેટલા કાર્યકરો પક્ષમાં જોડાયા હોવાનું તાલુકા પ્રમુખ અભાભાઈ ગઢવીએ જણાવ્યું હતું. પ્રદેશ ઉપાધ્યક્ષ ભીમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ  નાભાણી, કે.કે. અંસારી, ક.જિ.પ્ર. રોહિતભાઈ ગોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માંડવી શહેર પ્રમુખ હરીશભાઈ મોરબિયા, સંજયભાઈ બાપટ, દેવેન્દ્રભાઈ જોષી, હૈદરઅલી થૈમ, રામૈયાભાઈ ગઢવી, કલ્યાણ ગઢવી, ઈકબાલ રાયમા સહિતનાઓ આયોજન વ્યવસ્થામાં સહભાગી રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ મીડિયા કન્વીનર દિલીપ ગોરે કર્યા હતા.મુંદરામાં તાલુકા પંચાયતની સામે સમાજવાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી ગઢવીએ કહ્યું હતું કે, `આપ' કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા ત્યારે પહેલાથી નક્કી થયા મુજબ રોટરી હોલ તથા સમાજવાડીનું નક્કી હતું. પણ સમાજવાડી અપાઇ નહતી. જે મુદ્દે કહ્યું હતું કે, ખરાખરી માટે પણ વાડી નથી અપાતી, 2022માં સુપડા સાફ થઇ જશે.તેમણે રસ્તા, ગટર, બેરોજગારીના પ્રશ્નના ઉકેલ લેવાશે તેવો કોલ આપ્યો હતો. સંઘર્ષ કરીને પણ સતા પરિવર્તન કરવું છે. મુંદરા ખાતે  પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, રમેશભાઇ નાભાણી, કે.કે. અન્સારી ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer