અબડાસામાં 55 છાત્રોએ ખાનગી શાળાને `રામ-રામ'' કરી દીધા

નલિયા, તા. 23 : કોરોનાકાળ દરમ્યાન શિક્ષણકાર્ય ઓફલાઇન બંધ હતું. કેટલીક ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખી વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી તગડી ફી વસૂલ કરતી હતી, જેના પગલે સુવ્યવસ્થિત શિક્ષણ ખાનગી શાળાઓમાં ન મળવાનાં પગલે હવે અબડાસા તાલુકામાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લેવાનું શરૂ કર્યું છે. તા. 15/7/21 સુધી 55 (પંચાવન) જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાના ભણતરને `રામ-રામ' કર્યા છે. અબડાસામાં 11 ખાનગી શાળાઓ છે, જેમાં નલિયા ચાર, કોઠારામાં ત્રણ, સાંઘીમાં એક, કનકપરમાં બે, રામપર (અબડા)માં એકનો સમાવેશ થાય છે. સરકારી શાળાના શિક્ષકો જો નિષ્ઠાથી વિદ્યાર્થીઓને ભણાવે તો તાલુકાનું શિક્ષણ સ્તર સુધરી શકે. જો કે, કેટલાક શિક્ષકો તો ખંતથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં અનેક શિક્ષકો અબડાસામાં પોતાની અંગત પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહી પોતાની ફરજ ચૂકી જાય છે. સરકાર પ્રાથમિક શિક્ષકોને તગડો પગાર આપે છે, તેમ છતાં અમુક શિક્ષકોને પગાર પૂરતો જ રસ હોય છે. છોકરાઓને વ્યવસ્થિત ભણાવવાની ફરજ ચૂકી જાય છે, જેનાં પગલે પ્રાથમિક ધો. 8 પછી માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થી દાખલ થાય ત્યારે સામાન્ય જ્ઞાન તો ઠીક પણ માતૃભાષા ગુજરાતી વાંચતાં પણ નથી આવડતું. જેનાં પગલે દર વર્ષે ગુણોત્સવમાં અબડાસાના પ્રાથમિક શિક્ષણને લગતા અવાર-નવાર ગંભીર તારણો આવે છે. એ ખરું છે કે શિક્ષકો પોતાના હક્ક પ્રત્યે ખાસ્સા એવા જાગૃત છે અને હક્ક મળે પણ છે પણ હવે ફરજ નિષ્ઠાથી બજાવી અબડાસાનું પ્રાથમિક શિક્ષણ સુધરે તો વાલીઓની વિશ્વસનીયતા સરકારી શિક્ષણ પ્રત્યે વધી શકે તેવું વાલી-વર્તુળોએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer