મહારાવ પરિવાર તરફથી 51 લાખનું દાન અપાયું

મહારાવ પરિવાર તરફથી 51 લાખનું દાન અપાયું
ભુજ, તા. 21 : કચ્છ  રાજપૂત-ક્ષત્રિય સભાની મળેલી બેઠકમાં માતાના મઢ ખાતે  નિર્માણ પામતા ક્ષત્રિય સમાજના ભવનના મુખ્યદાતા તરીકે રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવીએ રૂા. 51 લાખ જાહેર કર્યા હતા. ઉપરાંત છાત્રાલય માટે ત્રણ દાતાઓએ 15-15 લાખ મળી રૂા. 45 લાખની જાહેરાત કરી હતી. બેઠકમાં ઉપસ્થિત મહારાણી પ્રીતિદેવીએ મહારાવ પ્રાગમલજી ત્રીજાની મુખ્યદાતા તરીકે કાયમી પ્રતિમાં આ ભવનમાં રહે અને મહારાવના ત્રણ પ્રતિનિધિઓને ટ્રસ્ટી તરીકે સેવાની લાગણી દર્શાવી હતી. રાજ પરિવાર તરફથી દાનની રકમની જાહેરાત કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજાએ કરી હતી. ભુજના પ્રાગમહેલમાં યોજાયેલી બેઠકમાં મહેલનું પુન: નિર્માણ થઇ જતાં પ્રવેશદ્વાર સભાના પ્રમુખ અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ તથા પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ તથા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ સાવજસિંહ જાડેજા તથા મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ પોતાના મંતવ્યમાં ગં.સ્વ. મહારાણી તરફથી સ્વ. મહારાવના નામે ટાઇટલની જાહેરાત થતાં કચ્છ સમાજ, ગુજરાત, સૌરાષ્ટ્ર સમાજ તેમજ દેશ-દેશાવરમાં વસતા મા આશાપુરાના ભક્તો આ ટાઇટલથી ખુશી વ્યક્ત કરશે અને આ જાહેરાતથી સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા મા આશાપુરાના પ્રથમ સેવક હોવાથી તેમને પણ આનંદ થશે તેમજ ભવિષ્યમાં પણ  રાજ પરિવારના મોભી ગં.સ્વ. મહારાણી તેમજ તેના ઉત્તરાધિકારીઓ દ્વારા સમાજ ઉપયોગી કાર્યોમાં યોગદાન આપતા રહેશે તેવી અભિલાષા વ્યક્ત કરવામાં આવી હતી. ઇન્દ્રજિતસિંહ ઠાકોર, કૃતાર્થસિંહ તથા ઠાકોર મયૂરધ્વજસિંહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી  હતી.સમાજના કન્યા છાત્રાલય તથા કુમાર છાત્રાલયનું નવું બાંધકામ ચાલુમાં હોઇ તેમાં જિલ્લામાંથી સમાજ તરફથી દાનની જાહેરાત થઈ હોય   તે ફંડ તાત્કાલિક વસૂલી અને બાકી રહેતા ગામોમાંથી તેમજ સમાજના ભાઇઓ પાસેથી નવું દાન જાહેર કરાવી, વસૂલી એક મહિનામાં જમા કરાવવા માટેની સૂચના પ્રમુખ તરફથી સમાજના ઉપસ્થિત આગેવાનોને આપવામાં આવી હતી. કન્યા છાત્રાલયના નવા ટ્રસ્ટી તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજા તરફથી રૂા.  15,00,000 તથા હઠુભા જાડેજા (યુવા સભાના પ્રમુખ)એ પણ નવા ટ્રસ્ટી તરીકે રૂા. 15,00,000, ઘનશ્યામસિંહ બી. જાડેજા (તરા) મેડિકલ ટ્રસ્ટના પ્રમુખે નવા ટ્રસ્ટી તરીકે રૂા. 15,00,000ની જાહેરાત કરી હતી. સમાજના ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, સહમંત્રી બળવંતસિંહ જાડેજા, અબડાસાના પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા, રાપરના પ્રમુખ અજયપાલસિંહ જાડેજા, લખપતના પ્રમુખ જેતમાલજી જાડેજા, ભચાઉના પ્રમુખ બળવંતસિંહ જાડેજા, નેત્રા જિલ્લા પંચાયત સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, નિરોણા જિલ્લા પંચાયત સભ્ય કરસનજી જાડેજા, રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, ભુજ શહેર પ્રમુખ મનુભા જાડેજા, ટ્રસ્ટી વિક્રમસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ, પ્રફુલ્લસિંહ જાડેજા, મંગલસિંહ સોઢા, કિરીટસિંહ જાડેજા, વેશલજી તુંવર, જયદીપસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. સંચાલન મહામંત્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ કર્યું હતું. તેમજ આભારવિધિ ખજાનચી હઠુભા સોઢાએ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer