બાવન ગામોના `સરતાજ'' કોઠારા એકાએક પલાયનવાદનો ગંભીર તબક્કો જોઇ રહ્યું છે

બાવન ગામોના `સરતાજ'' કોઠારા એકાએક પલાયનવાદનો ગંભીર તબક્કો જોઇ રહ્યું છે
મનોજ સોની દ્વારા - કોઠારા (તા. અબડાસા), તા. 21 : ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને રોજગારીનો અભાવ કચ્છના ગણા ગામડાંમાંથી શહેર તરફની દોટના નિમિત્ત બન્યા છે, આજે પણ બની રહ્યા છે. અબડાસાના બાવન ગામોના `સરતાજ' કોઠારા ગામે આ જ સ્થિતિ નિર્માણ?પામી છે.અબડાસા તાલુકાના કોઠારાની વાત કરીએ તો હાલની દૃષ્ટિએ છ હજાર જેટલી વસતી ધરાવે છે. આ ગામને આજુબાજુના બાવન જેટલા ગામ લાગુ પડે છે. જેથી અહીં ધંધા ઠીકઠાક ચાલ્યા કરે છે અને બજારોમાં સવારથી બપોર સુધી સારી ભીડ જામતી હોય છે. એક સર્વે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કોઠારામાં વર્ષોથી રહેતા હોવા છતાં 80 જેટલા પરિવાર ભુજ, માંડવી, ગાંધીધામ જેવા શહેરોમાં રહેવા લાગ્યા છે, જે એક આશ્ચર્યની બાબત કહી શકાય તેવું લાગી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ અહીંના પરિવારો ભુજ કે અન્ય શહેરો તરફ જતા રહેવાના જાણવા મળેલા કારણ મુજબ સ્થાનિક લોકોને શિક્ષણની કમી, તો યુવાવર્ગ માટે નોકરી જેવા કોઇ સંજોગો દેખાતા નથી. શિક્ષણની વાત કરીએ તો કોઠારામાં ધો. 12 સુધીની સગવડ છે, પરંતુ અહીં શિક્ષણનું સ્તર હાલના તબક્કે સારું નથી. એક સમયમાં કોઠારા એટલે શિક્ષણની નગરી તરીકે જાણીતું હતું જે હવે ભૂતકાળ બની ચૂક્યો છે. એક સમયમાં અહીંથી અભ્યાસ કરનારા વિદ્યાર્થી કચ્છના સંભવત: પ્રથમ આઇ.એ.એસ. પણ બની ગયા છે. અહીં હાલમાં અન્ય અંગ્રેજી માધ્યમની પણ બે શાળાઓ છે, તો આઇ.ટી.આઇ.ની સુવિધા છે પરંતુ કોલેજ કક્ષાએ અથવા વિજ્ઞાન પ્રવાહમાં આગળ જવા માટેની કોઇ સુવિધા નથી. ઇન્જિનીયરિંગ, પોલીટેકનિક કે અન્ય કોઇ સુવિધા હજુ સુધી અહીં મળેલી નથી, જેથી અહીં રહેતા પરિવારો ધીરે ધીરે શહેર તરફ દોટ લગાવી રહ્યા છે અને હવે તો પોતાનાં બાળકોના ભવિષ્ય માટે બાળક ધો. 1માં આવે ત્યારથી જ શહેર તરફ આગળ વધી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થઇ?રહ્યું છે. તો બીજીબાજુ કોઠારાની આજુબાજુ કોઇ ઉદ્યોગ પણ આવેલા નથી જેથી યુવાનોને અહીં નોકરી માટેની કોઇ તક મળશે એવું દેખાતું નહીં હોવાથી યુવાવર્ગ પણ શહેરો તરફ વળી રહ્યા છે. કોઠારાના શિક્ષણ અગ્રણી પ્રતાપસિંહ સોઢા પણ આ તાલુકામાં શિક્ષણનું સ્તર વધારવામાં આવે તેવું જણાવી રહ્યા છે. ગામને પણ વિકાસની જરૂરત છે તેવું અહીંના ગામલોકો જણાવી રહ્યા છે. અહીં બહારથી આવેલો નોકરિયાત વર્ગ ગામમાં જોવા મળી રહ્યો છે, જેમાં આજુબાજુના ગામડાંમાં નોકરી કરતા પરિવારો આ ગામમાં સારા પ્રમાણમાં રહે છે. પરંતુ આ ગામના લોકોને પોતાના રહેણાક હોવા છતાં શહેર તરફ વળી રહ્યા છે અને પોતાનાં બાળકોનું ભાવિ જોવા ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. એટલું જ નહીં ભુજ રહેતા હોય અને જેમના ધંધા-રોજગાર કોઠારામાં હોય એવા હાલમાં 30 જેટલા ધંધાર્થી-વેપારી છે જે રોજ સવારે આવે અને સાંજે પરત ભુજ જતા હોય છે. તો કેટલાક શિક્ષકો, ડોક્ટરો અને અન્ય નોકરિયાત વર્ગ પણ ભુજ રહે છે અને કોઠારા દરરોજ અપડાઉન કરી રહ્યા છે. આમ, કોઠારાથી ભુજ 80 કિ.મી.નું અંતર એટલે કે આવવા-જવાના 160 કિ.મી.નું અંતર દરરોજ કાપે છે જે માત્ર ત્યાં પોતાના ધંધા માટે જ... કોઠારામાં મેડિકલની પણ જોઇએ તેવી સગવડ નથી જેથી ઇમરજન્સી માટે ભુજ અથવા માંડવી તરફ જવું પડે છે. સારી હોસ્પિટલની સુવિધા આખાય તાલુકાને નસીબ નથી થઇ. અહીં જો જરૂરી પ્રાથમિક સુવિધા ઊભી નહીં થાય તો ભવિષ્યમાં ગામડાંઓ ભેંકાર થઇ જશે તેવું લાગે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer