કચ્છમાં સાદગીથી ઊજવાઇ ઇદ-ઉલ-અઝહા

કચ્છમાં સાદગીથી ઊજવાઇ ઇદ-ઉલ-અઝહા
ભુજ, તા. 21 : આજે સમગ્ર કચ્છમાં મુસ્લિમ બિરાદરોએ ઇદ-ઉલ-અઝહાની કોરોનાની મહામારી વચ્ચે સરકારી માર્ગદર્શિકાને અનુસરી સાદગીથી ઉજવણી કરી હતી. વહેલી સવારે ઇબાદતગાહોમાં નમાજ અદાઇગી કરી હતી. કોમી એખલાસથી શાંતિપૂર્ણ ઉજવણી થઇ હતી. પોલીસે પણ વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ કરી કોવિડ-19 સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું. કોરોનાની મહામારીને અનુલક્ષીને આ વરસે પણ ભુજમાં ઇદગાહ પર થતી સામૂહિક નમાજ અદાઇગીનો કાર્યક્રમ મુલત્વી રહ્યો હતો. આમ છતાં અમુક બિરાદરોએ આ ઐતિહાસિક સ્થળે નમાજ પઢી હતી. દરમ્યાન, સવારે 7 વાગ્યાથી જ શહેરની જાણીતી મસ્જિદો મહંમદ પન્નાહ મસ્જિદ, કુંભારવાળી મસ્જિદ, મોલુવાળી મસ્જિદ, ચાકીવાળી મસ્જિદ તેમજ અન્ય ઇબાદતગાહોમાં ઇદની નમાજ અને ખુત્બો પઢાવાયા હતા અને કોરોનાની મહામારીમાંથી વહેલી તકે છૂટકારો મળે તેવી દુઆ થઇ હતી. ભુજ : મુખ્ય ઈદગાહ :હમીરસર તળાવના કાંઠે આવેલી ઐતિહાસિક મુખ્ય ઈદગાહ ખાતે ઈદ-ઉલ-અઝહા (કુર્બાની ઈદ)ની નમાજ અદા કરવામાં આવી હતી. પ્રારંભે શહેરકાઝી અલ્હાજ સૈયદ ખૈરશા બાપુ હાજી હાસમશા બુખારીનું સન્માન મુસ્તાક સીદીએ કર્યું હતું. ઈદની નમાજ તથા ખુત્બો સૈયદ ખૈરશા બાપુ દ્વારા પઢાવવામાં આવ્યો હતો. સરકારની કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસથી સર્વે લોકોની અલ્લાહ પાક હિફાઝત ફરમાવે અને આ વાયરસ નાબૂદ થઈ જાય તેવી દુઆ ગુજારવામાં આવી હતી. નમાજની વ્યવસ્થા ઈદગાહ કમિટીના સભ્યો સૈયદ મોહમ્મદશા ખૈરશા બુખારી, પલેજા અબ્દુલગફુર મામદ, સૈયદ હાજી હાસમશા ખૈરશા દ્વારા કરવામાં આવી હતી.  ભુજ : જૂનામાં જૂની મસ્જિદ નૂરે મુસ્તફા (કુંભારવાળી) મસ્જિદમાં આજે સવારે 7.15 ઇદ નમાજ / ખુત્બો પઢાવવામાં આવ્યો હતો અને પેશ ઇમામ મૌલાના કૌશર સાહેબે જરૂરી માર્ગદર્શન આપી સરકારની ગાઇડલાઇન પ્રમાણે નમાજ ભાઇઓને માસ્ક, સેનિટાઇઝ, સોશિયલ ડિસ્ટન્સમાં અદા કરવામાં આવી હતી. કોરોનાને કેમ હરાવીએ એવી સમજ આપી દુવાએ ખેર કરી હતી. મુતવલી હાજી હારૂનભાઇ કુંભારે પણ જરૂરી સૂચન કરી કોમી એકતા, ભાઇચારાની વાત કરી હતી. આ સાથે નમાજી ભાઇઓ દ્વારા કચ્છમાં સચરાચર વરસાદ થાય એવી દુવાઓ કરવામાં આવી હતી. પપ્પુભાઇ મોરારિયા (નીલમ), અનવર જુમા નોડે, જુસબભાઇ?સોનારા, હુશેનભાઇ ભાવર, મુસ્તાક હિંગોરજા, ફકીરમામદ કુંભાર, બાપડાભાઇ કુંભાર, અભુભખર કુંભાર વિ. સાથે મળીને દુવાએ ખેર કરી હતી. જૂની બકાલી કોલોની : આત્મારામ સર્કલ અલીફ મસ્જિદમાં ઈદ-ઉલ-અઝહાની નમાજ અને ખુત્બો સવારે 7.30 વાગ્યે મૌલાના કમરુદ્દિન હિજાજીએ પઢાવ્યો હતો. વ્યવસ્થા મુતવલ્લી સમા જાવેદ ઈસ્માઈલ સમા, સલીમ બાપુ, તોસીફ અહેમદ, હાજી અયુબ બાબુ, ઈજાજ અહેમદ સમા, હાજી અબ્દુલગફુર, યાકુબ લુહાર વગેરેએ સંભાળી હતી.  ગાંધીધામના નવી સુંદરપુરી મસ્જિદે તયબાહ ખાતે મૌલાના શૌકતઅલી અકબરીએ ખુત્બો પઢાવ્યો હતો તથા નમાજ અદા કરાવી હતી. આ વેળાએ તમામ ભાઇઓએ સામાજિક અંતર જાળવી અને માસ્ક પહેરી નમાજ અદા કરી હતી. મૌલાના શૌકતઅલીએ આજે ઇદના દિવસે પોતાના ગરીબ લોકોને યાદ કરી અને અનાથ લોકોની મદદ કરવા કહ્યું હતું. આપણો દેશ કોરોના મહામારીમાંથી મુક્ત થાય તે માટે દુઆ કરી હતી. કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ તમામ ભાઇઓને ઇદ મુબારક પાઠવી આજના દિવસે જાનવરની કુરબાની કરવાની સાથે પોતાનામાં રહેલા દુર્ગુણો, બેઇમાની, લાલચ, નફરત વગેરેની કુરબાની આપી આપણી સાથે રહેતા તમામ લોકો સાથે પ્યાર, મહોબ્બત, એકતાની ભાવના કેળવીએ એ જ ઇદનો સંદેશ છે તેવું જણાવ્યું હતું. આ વેળાએ નાસીર ખાન, રફીક મારા, શાહનવાઝ શેખ, શબીર રાયમા, સુમાર હિંગોરજા, સલીમ રાયમા, સતાર હિંગોરજા, નજીર રાયમા, સાહિદ રાયમા, લતીફ?માંજોઠી વગેરેએ ઇદ નમાજ અદા કરી હતી. ગાંધીધામની નૂરી મસ્જિદ ખાતે મૌલાના અબ્દુલ શકુરે નમાજ અદા કરાવી હતી. આ વેળાએ હાજી શકુરભાઇ?માંજોઠી, અબ્દુલ ખાન પઠાણ, હાજી ગનીભાઇ માંજોઠી, હાજી અલી સોઢા, ફિરોઝખાન પઠાણ, ઇસ્લામુદ્દીન, સાલેમામદ માંજોઠી અને શના ઉલ્લાહ વગેરે હાજર રહ્યા હતા. તાલુકાના કિડાણા, ખારીરોહર, મીઠીરોહર, કંડલા, ગળપાદર, આદિપુરની મસ્જિદોમાં ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. નખત્રાણાની મુખ્ય મસ્જિદમાં મૌલાના મોહ્યુદીન અજમેરીએ ઇદ નમાજ પઢાવી હતી. મુતવલી હાજી ઇશાક કુંભાર, ખત્રી હાજી આદમભાઇ, લિયાકતભાઇ આરબ, હાજી અલીમામદ કુંભાર, સમા શકીલભાઇ, ઓસમાણ નારેજા જોડાયા હતા. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. નવાનગરમાં મૌલાના હસન રાયમાએ ઇદ નમાજ પઢાવી હતી. મુતવલી હાજી અનવર ચાકીએ એકતા સાથે ભારતમાં મહામારીમાંથી  મુક્તિ મળે તે માટે દુવા ગુજારી હતી. હાજી હારૂન લોહાર, હાજી મુસા કુંભાર, ખમીશા ખત્રી, હાજી મામદ કુંભાર, હાજી રમજાન કુંભાર, સુલેમાન ઓસમાણ વગેરે જોડાયા હતા. સોશિયલ ડિસ્ટન્સ સાથે ઇદ નમાજ પઢાવી હતી. મોટી વિરાણીમાં ઇદગાહ પર પીર ઇબ્રાહીમશા બાવા, તયબાહનગર મસ્જિદમાં મૌલાના ફકીરમામદ કુંભાર, ગામની મસ્જિદમાં મૌલાના ઝાકીર હુશેનભાઇએ નમાજ અદા કરાવી હતી. સમાજના પ્રમુખ અહમદભાઇ?ખલીફાએ ભારતમાં અમન સાથે દેશ કોરોના મુક્ત બને, એકમેકમાં મહોબ્બત રહે એવું કહ્યું હતું. મુતવલીઓ હાજી નૂરમામદ, હુશેનભાઇ, ઉપપ્રમુખ અદ્રેમાન ચાકી, મહામંત્રી ઉંમર એસ. ખત્રી (કચ્છમિત્ર), ખજાનચી અલીમામદ ખલીફા વગેરે ઇદ મુબારક પાઠવી હતી. મન્સુરી મસ્જિદમાં મૌલાના સોહેલભાઇએ નમાજ પઢાવી હતી. મુતવલી હાજી અલીમામદ પીંજારા, અમીર યુનુસભાઇ વિગેરે હાજર રહ્યા હતા. માંડવીની અન્જુમન-એ-ઇસ્લામના પ્રમુખ સાજીદભાઇ માણેકે આપેલી જાણકારી પ્રમાણે કોરોનાએ માથું ઊંચક્યા બાદ ઇદ-ઉલ-અઝહા વેળાએ આયોજાતા જુલૂસ અને આનુષાંગિક આયોજનો મોકૂફ રખાયા છે. શહેરમાં અંદાજે 45 જેટલી મસ્જિદમાં બિરાદરોએ ઇદ નમાજ અદા કરી હતી. કોરોના કાળમાંથી મુક્તિ અપાવવા, અમન-ચમનની મહેર વરસાવવા ઇબાદત કરવામાં આવી હતી. બિરાદરોએ ઇદ મુબારકની આપ-લે કરી હતી. મુંદરામાં બકરી ઇદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને કોમી એકતા તથા ભાઇચારાની દુઆ માગી હતી. વિવિધ મસ્જિદમાં ઇદની નમાજ અદા કર્યા બાદ એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી. પર્વ નિમિત્તે મીઠાઇની દુકાનોમાં અને સાંજે નાસ્તાની લારીમાં ગિર્દી જોવા મળી હતી. સર્વે મુસ્લિમ બિરાદરોએ જણાવ્યું હતું કે, વહેલી તકે કોરોના નાબૂદ થાય તથા કચ્છમાં સચરાચર વરસાદ થાય તથા વર્ષ સારું આવે જેમાં હાજી સલીમ જત, રહીમ ખત્રી, અનવર ખત્રી, હાસમ ખત્રી, રમજાન ખત્રી, મકસૂદ ખત્રી, રમજુ ખત્રી સહિતનાઓએ ઇદની ઉજવણી કરી હતી. તાલુકાના ગામોમાં પણ ઉજવણી કર્યાના વાવડ છે. અબડાસાના મુખ્યમથક નલિયા ખાતે ઇદ-ઉલ-અઝહા (કુરબાની ઇદ)ની ઉજવણી કોમી એકતા અને ભાઇચારાથી કરવામાં આવી હતી. કોરોના ગાઇડલાઇનના અમલ વચ્ચે મર્યાદિત સંખ્યામાં વિવિધ મસ્જિદો મેમણ મસ્જિદ, સોનારા મસ્જિદ, હિંગોરજા મસ્જિદ, તુરિયા મસ્જિદ, ખત્રી મસ્જિદ, મફતનગર ખાતેની મસ્જિદમાં ઇદ નમાજ પઢવામાં આવી હતી. તો ઘણા બધા મુસ્લિમ બિરાદરોએ ઇદ નમાજ પોતાના ઘરે અદા કરી હતી. પેનલછાપીર ખાતે મૌલાના અબ્દુલસતારે ખુત્બો પઢાવ્યો હતો. દરગાહના મુતવલી જુણસ કુંભારે ઇદ-ઉલ-અઝહાનું મહત્ત્વ સમજાવ્યું હતું. નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ તકીશાબાવા સૈયદે કોમી એકતા અને ભાઇચારા સાથે કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું ત્યારે ઇદના આ પવિત્ર તહેવાર નિમિત્તે ઇદ પર્વનું મહત્ત્વ સમજાવી તેમણે રાગ, દ્વેષ, ઇર્ષ્યા, અદેખાઇ અને વૈમનસ્યનું બલિદાન આપી પ્રેમ અને ભાઇચારાથી એકસંપ થઇ સૌને રહેવા અનુરોધ કર્યો હતો. ગુલામહુસેન મિત્રી, લિયાકતઅલી આગરિયા વગેરેએ ઇદ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. નલિયાના મુસ્લિમ વેપારીઓએ પોતાના કામકાજ બંધ રાખ્યા હતા. અબડાસા તાલુકાના રાયધણજર ગામે સુન્ની મુસ્લિમ જમાત તરફથી બકરી ઇદની ઉજવણી મદીના મસ્જિદમાં કરવામાં આવી હતી જેમાં મૌલાના ગુલામ હુસેને નમાજ અને ખુત્બો અદા કરાવ્યા હતા. મસ્જિદ અને ઇદગાહની ઝોલી- ફંડ આદમ મામદ અને ફારૂક ઇબ્રાહીમે ફેરવી,  જેમાં સૈયદ અ. રસુલ બાવા, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના માજી પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રા, મુતવલી સાલેમામદ, મુસા હાલેપોત્રા, સદિક મામદ, ઇબ્રાહીમ અલાના વિગેરે એકબીજાને મુબારકબાદી પાઠવી ઇદની ઉજવણી કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer