ચરાખડાનું જર્જરિત બસ સ્ટેન્ડ તથા ખુલ્લી ડી.પી. ગમે ત્યારે અકસ્માત સર્જશે

ચરાખડાનું જર્જરિત બસ સ્ટેન્ડ તથા ખુલ્લી ડી.પી. ગમે ત્યારે અકસ્માત સર્જશે
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 21 : ચરાખડા ગામમાં રહેણાંક વિસ્તારમાં ખુલ્લી પડેલી ડી.પી. તેમજ પડું પડું હાલતમાં ઊભેલું બસ સ્ટેશન ગમે ત્યારે અકસ્માત સર્જશે તેવી ભીતિ વ્યકત થઇ રહી છે. ગામનું બસ સ્ટેશન જર્જરિત હોવા સાથે છતના પોપડાં પડતાં પ્રવાસીઓનું તેમાં બેસવું જોખમી બની રહ્યું છે. શિયાળે ઠંડી, ચોમાસે વરસાદ, ઉનાળે તાપથી બચવા ગામનું બસસ્ટેન્ડ 15 વર્ષ પહેલાં બન્યું પણ છેલ્લા થોડા વરસથી આ સાવ જર્જરિત થઇ ગયું છે. ચરાખડા - જતાવીરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચપતિ સોરા કરીમ ગફુર (બંધાણી)એ માહિતી આપતાં કહ્યું કે, દોઢ દાયકા પહેલાં લોકોની સુવિધાનો એક ભાગ એવું બસ સ્ટેન્ડ મુસાફરો માટે જોખમી છે. પિલર પણ મૂળ જગ્યાથી ખસકવા લાગ્યા છે. તો છતના છજામાંથી રોજ પોપડા પડયા કરે છે. તંત્ર આ બસ સ્ટેન્ડ નવું બનાવે તેવી લોકમાંગ ઊઠી છે. ઉપરાંત નોતિયારવાસમાં વીજ ડી.પી. છેલ્લા બે વર્ષથી ખુલ્લી પડી છે, એટલું જ નહીં એ ડી.પી.ની પાસે આવેલ વીજપોલ પણ જર્જરિત છે. ગત વાવાઝોડાં વખતે શોર્ટસર્કિટ થતાં આજુબાજુ ઘરો તેમજ મસ્જિદમાં શોર્ટ સર્કિટથી વીજ ઉપકરણોને  હાનિ પહોંચી હતી. જે વિસ્તારમાં  ડી.પી. ખુલ્લી પડી છે તે વિસ્તારમાં ગામના પશુઓ પસાર થાય છે. સંબંધિતોને વખતોવખત રજૂઆત કરી છતાં તંત્ર દાદ આપતું નથી. કોઇ જાનહાનિ થાય તે પહેલાં તંત્રને  તે અન્યત્ર ખસેડવા શ્રી સોરાએ માગણી  કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer