ચકાર, જાંબુડી અને બંદરાના દોઢેકસો કુટુંબોની ભૂખ ભાંગતી ભૂખી નદી સુકાઈ

ચકાર, જાંબુડી અને બંદરાના દોઢેકસો કુટુંબોની ભૂખ ભાંગતી ભૂખી નદી સુકાઈ
કોટડા-ચકાર (તા.ભુજ), તા.21 : તાલુકાની ભૂખી નદી ચકાર, જાંબુડી અને બંદરાના દોઢેકસો કુટુંબોની ભૂખ ભાંગતી હતી, જાંબુડીથી બંદરા સુધી સાતેક કિ.મી. નદી પટમાં ખેત મજૂરો સક્કરટેટીનું વાવેતર કરતાં પણ છેલ્લા થોડા વરસોથી નદી પટની રેતી ઉપડી ગઈ અને પાણી સુકાઈ ગયાં. ભૂખી નદી અગાઉ જાંબુડી ગંગા જમના સ્થળેથી છેક ખેંગારસાગર ડેમ સુધી લીલી રહેતી. ડુંગરોના સનના પાણીથી તબરતર નદી કાયમ ભીની રહેતી. આ નદીપટમાં કચ્છના પ્રખ્યાત તરીયા ચીભડાં ગાડા, ઉંટગાડીઓમાં અંજાર, ભુજ તરફ લઈ જતાં તેની સોડમ સુગંધ અડધા ગાઉએ આવતી. હાલ થોડા વરસોથી નદીપટની રેતી જાંબુડીથી બંદરા સુધી અદ્રશ્ય થઈ ગઈ છે. તો ડુંગરોમાંથી નીકળતા પાણીના સન સુકાઈ જતાં તરીયા ચીભડાની ખેતી કરતાં ખેતમજૂરો પોતાની વંશપરંપરાગત માલિકીની નદી પટની જમીન બંજર જોઈને નિસાસા નાખે છે. હાલે ભૂગર્ભ જળના સતત ઉલેચન તેમજ અપૂરતા વરસાદ સાથે રેતી ભુખ્યા બિલ્ડરોના કારણે રેતી સફાચટ થઈ ગઈ છે. જાંબુડી-ચકાર વચ્ચે નદીપટમાં આવેલા ગંગાજળના કુંડ ભેળમાતાજીએ જવા-આવવા માટે નદીપટથી પગથિયા આસપાસ સદીઓ પુરાણા જીવંત કૂવા-સેલોર-ધ્રો બધા સુકાઈ ગયા છે. આ પંથકના તમામ લોકો આ સ્થળે બાળપણ, યુવાનીમાં આનંદ મંગલ સાથે મોજમજાથી સ્નાન કે કુંડોમાં ડૂબકી લગાવી જ હશે તેમ જાંબુડીના મહેન્દ્રસિંહ એ. જાડેજા, કેશુભા અજમલજીએ કહ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer