આદિપુરમાં પાલિકા કચેરીના નાક નીચે થયેલાં દબાણો ઉપર કાર્યવાહી કરો

આદિપુરમાં પાલિકા કચેરીના નાક નીચે થયેલાં દબાણો ઉપર કાર્યવાહી કરો
ગાંધીધામ, તા. 21 : આદિપુરમાં ગાંધીધામ પાલિકાની પેટા કચેરીના પાર્કિંગ વિસ્તારમાં  દબાણ સમસ્યાથી ત્રસ્ત બનેલા સ્વામી લીલાશાહ માર્કેટ નગરપાલિકા કોમ્પલેક્ષના દુકાન ધારકોએ  પાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. વેપારીઓએ રજૂઆત કરતા એક પત્રમાં જણાવ્યું હતું કે નગરપાલિકાની પેટા કચેરી આગળ પાર્કિંગ એરિયા તથા આજુ-બાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર લારીઓ  અને કેબિન મૂકીને અતિક્રમણો થયા છે. જેને કારણે અહીં આડેધડ વાહન પાર્કિંગ થાય છે. આ સમસ્યાને લઈને નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી  રહી છે. અવાર-નવાર  ઝઘડા થઈ રહ્યા છે. આદિપુર મદનસિંહ ચોકથી કોલેજ રોડ ઉપર અતિક્રમણો દૂર કરી આ માર્ગને ડબલ  લેન બનાવી પહોળો કરવા આ  પત્રમાં અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યું હતું કે આ  મુશ્કેલી અંગે વખતો વખત રજૂઆતો કરાઈ  છે તેમ છતાં કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરાતી નથી. પાલિકાની પેટા બ્રાન્ચ નીચે થયેલા દબાણો સામે કાર્યવાહી ન થતાં પાલિકા સામે આક્ષેપો કરાયા હતા. આ મામલે કાર્યવાહી નહીં  કરાય તો આંદોલનની ચીમકી પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer