`કચ્છમિત્રે'' માનવસેવા-જીવદયાના કાર્યોને હંમેશાં વાચા આપી છે

`કચ્છમિત્રે'' માનવસેવા-જીવદયાના કાર્યોને હંમેશાં વાચા આપી છે
ભચાઉ, તા. 21 : જીવદયા અને માનવસેવાના દરેક કાર્યોની નોંધ કચ્છમિત્રે હંમેશાં લઈ તેને યોગ્ય સ્થાને વાચા આપી છે તેવું ભચાઉ ખાતે ચાતુર્માસ અર્થે પધારેલા લિંબડી અજરામર સંપ્રદાયના સાધ્વીઓએ અમૃતપર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું. લિંબડી અજરામર સંપ્રદાયના આચાર્યા પૂ. પ્રકાશચંદ્ર સ્વામીના આજ્ઞાનુવર્તિ આજીવન અનશન ધારક સૂર્યવિજય ગુરુણી મૈયાના શિષ્યા સાધ્વી સમાધિ કુમારી, સાધ્વી સમર્પિતા કુમારી મહાસતીજી, સાધ્વી સાવિત્રીકુમારી મહાસતીજી, આદિઠાણા 3 નો વાજતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ થયા બાદ તેમણે કચ્છમિત્રને અમૃત વર્ષમાં પ્રવેશ પ્રસંગે અંતરના આશીર્વાદ સહ શુભકામના પાઠવી હતી.  આશીર્વચન પાઠવતા મહાસતીજીઓએ લોકપ્રશ્નોને વાચા આપી તેમનું જીવન સુખમય બને એવા પ્રયાસો કર્યા છે કચ્છમિત્રે ધર્મ ભાવનાના અનેક ઉમદા કાર્યો કર્યાનું જણાવી અમૃત પર્વ પ્રસંગે વાંચન સંપુટથી ભરપૂર અંક બહાર પાડવા બદલ અભિનંદન સાથે ભવિષ્યમાં પ્રગતિ કરે એવી શુભકામના પાઠવાઈ હતી. ભચાઉના બ્યુરો ચીફ મનસુખ ઠક્કર, કમલેશ ઠક્કર તેમજ રસીલાબેને 10ર પાનાનો અંક અર્પણ કરી સાધ્વી ભગવંતોની અનુમોદના કરી સાધુવાદ મેળવ્યો હતો.  ભચાઉ સ્થાનકવાસી છ કોટી જૈન સંઘના પ્રમુખ અને અગ્રણી વ્યાપારી લખમશીભાઈએ ભૂકંપ વખતના કપરા કાળને યાદ કરી તે સમયે કચ્છમિત્રમાં પડી ભાંગેલા વેપાર ધંધાને લઈ અહેવાલો પ્રસિધ્ધ કરી ભેંકાર ભાસતા નગરને ફરી બેઠું કર્યાનું જણાવ્યું હતું. આ તકે તેમણે પોતાના ગુરુ કરશનદાસભાઈને પણ યાદ કર્યા હતા. માંડવીવાસ સ્થિત ઉપાશ્રયમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનકવાસી છ કોટી જૈનસંઘના મુંબઈ વસતા 100?થી વધુ ભચાઉવાસીઓ તેમજ અન્ય વિસ્તારમાંથી જૈન શ્રાવકો આ પ્રસંગે આવ્યા હતા. મુંબઈ બિરાજતા અજરામર સંપ્રદાયના ભાસ્કર મુનિએ કચ્છમિત્ર સાથેના પોતાના વર્ષો જૂના સંસ્મરણો વાગોળતાં ભવિષ્યની પ્રગતિ માટેની શુભકામના પાઠવી પોતાને એકડો શીખાડનાર કરશનદાસ પાનાચંદ ઠક્કરના  પુત્રો ભચાઉમાં આ અખબારનું આલેખન કરી રહ્યા છે એને ગૌરવરૂપ ગણાવ્યું હતું. આ પ્રસંગે શાન્તિલાલ હરખચંદ ગાલા, દામજી ભારમલ કારીયા, રમેશચંદ્ર ગડા, વેલજી ઉગમશી ગાલા, હસમુખ કાનજી ગાલા, ધરમશી શિવજી નિસર, નાનજી લખમશી ગાલા, હેમરાજ ગાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે મનસુખ ઠક્કરે પ્રસંગ પરિચય આપ્યો હતો. આભારવિધિ કમલેશ ઠક્કરે કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer