ટપ્પરની વાડીમાં ટાંકામાંથી ચાર લાખનો શરાબ જપ્ત

ટપ્પરની વાડીમાં ટાંકામાંથી ચાર લાખનો શરાબ જપ્ત
ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં દુધઈ-ટપ્પર માર્ગની બાજુમાં આવેલી એક વાડીમાં એલ.સી.બી. ત્રાટકી હતી. આ વાડીમાં બનાવાયેલ અન્ડરગ્રાઉન્ડ ટાંકામાંથી રૂા. 4,90,500ના શરાબની 1308 બોટલ શોધી કાઢવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે એક શખ્સને પકડી પાડયો હતો, જ્યારે ત્રણ શખ્સો હાથમાં આવ્યા નહોતા. પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમ આજે ઈદ નિમિત્તે દુધઈ બાજુ પેટ્રોલિંગમાં હતી. ટપ્પર ગામની સીમમાં દુધઈ-ટપ્પર માર્ગ ઉપર આવેલી ડુંગરિયું નામની વાડીમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં દારૂ સંતાડાયો હોવાની પૂર્વબાતમી આ ટીમને મળી હતી. બાતમીના આધારે આ ટીમ વાડી પાસે પહોંચી ગઇ હતી. આ ટીમ વાડી પાસે પહોંચી હતી ત્યારે વાડીના શેઢા ઉપર બનાવેલા પાળા ઉપર એક શખ્સ ઊભો નજરે ચડયો હતો. વાડીના આ માલિક નારાણ ભચા વરચંદ (રહે. ટપ્પર)ની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી અને તપાસ કરાતાં વાડીના શેઢા નજીક માટીના પાળા પાસે જમીનમાં અન્ડર ગ્રાઉન્ડ સિમેન્ટનો પાકો ટાંકો શોધી કાઢવામાં આવ્યો હતો. આ ટાંકાનું ફાઇબરનું ઢાંકણું ખોલી અંદર જોવાતાં અંદર શરાબની પેટીઓ હોવાનું બહાર આવ્યું હતું. આ ટાંકામાંથી મેકડોવેલ્સ નંબર-1, સુપરીયર વ્હીસ્કી ઓરિજનલ 750 એમ.એલ.ની 1308 બોટલ કિંમત રૂા. 4,90,500નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. નારાણ વરચંદની આ વાડીમાં ભારતનગર ગાંધીધામના રમેશ હોથી કોળી અને ભવાનીનગરના દેવેન શંકરભા ગઢવીએ સિમેન્ટનો ટાંકો બનાવ્યો હતો અને આ દારૂ રમેશ તથા દેવેને મંગાવ્યો હતો.અહીં દારૂનો સંગ્રહ કરી તેને વેચાણ માટે સંતાડી રાખ્યો હોવાની કેફિયત નારાણ વરચંદે આપી હતી. તેમજ પોતે અને વાડીમાં  કામ કરતા નવઘણ ગોવા ડગરા આ માલની ચોકી કરતા હતા. પકડાયેલા આ શખ્સ પાસેથી એક મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ લાખોની કિંમતનો શરાબ પકડાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજીબાજુ દારૂની ખેપ હજુ પણ વણથંભી હોવાનો અહેસાસ થયો હતો. એલ.સી.બી.ની આ સફળ કાર્યવાહીથી સ્થાનિક પોલીસમાં દોડધામ થઈ પડી હતી. તેમજ હવે આ કાર્યવાહી બાદ કેની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે તેવો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer