નલિયામાં ઘરમાં ચાલતું જુગારધામ પોલીસ ઝપટે

નલિયામાં ઘરમાં ચાલતું જુગારધામ પોલીસ ઝપટે
નલિયા (અબડાસા), તા. 21 : તાલુકાનાં આ મુખ્ય મથકે યોગેશ્વરનગર ખાતે રાહુલ બાબુભાઇ સોલંકીનાં મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી ધાણીપાસાનો જુગારનો અડ્ડો ચલાવવાની પ્રવૃત્તિ ઝપટમાં લીધી હતી. આ પ્રકરણમાં ઘરમાલિક સંચાલક સહિત બાર આરોપીને રૂા. 15,400 રોકડા અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 17,400ની માલમતા સાથે ઝડપી તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. આજે ઇદના તહેવાર નિમિત્તે સુરક્ષા વ્યવસ્થા માટેનાં પેટ્રોલિંગ કાર્ય દરમ્યાન બાતમીના આધારે નલિયા પોલીસની ટુકડી સબ ઇન્સ્પેકટર વી.બી. ઝાલાની આગેવાની તળે યોગેશ્વરનગર ખાતે ત્રાટકી હતી અને આ ગુણવત્તાસભર દરોડાની કાર્યવાહી કરી હતી. રહેણાંક વિસ્તારમાંથી જુગારની પ્રવૃત્તિ પકડાતાં ગામમાં અને તાલુકામાં ચકચાર જાગી છે. પોલીસ સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, દરોડામાં પકડાયેલા આરોપીમાં ઘરમાલિક રાહુલ સોલંકી ઉપરાંત નલિયાના જ મોહિન હારૂન રશીદ મનસુરી, મયંક કેતનભાઇ ચાવડા, મોહિન સલીમભાઇ ચાકી, કાસમ ઇશા ભટ્ટી, અલ્તાફ મામદ મેમણ, મૈસિમ ઉર્ફે સદામ સાલેમામદ પરમાર, આમદ અલાના ગજણ, હુશેન રમજુ નોડે, સલીમ હસણ તુરિયા, ઇમરાન આદમ ચાકી અને અલ્તાફ મામદ તુરિયાનો સમાવેશ થાય છે. ઘરમાલિક બહારથી ખેલીઓ બોલાવી જુગારની આ પ્રવૃત્તિ ચલાવતો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. દરોડાની કાર્યવાહીમાં સ્ટાફના ગોપાલભાઇ મહેશ્વરી, અનુપસિંહ વાઘેલા, પરબત ચૌધરી, યુવરાજસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.  

© 2022 Saurashtra Trust