દુકાનની અગાસીની દીવાલ પડતાં ધંધાર્થી ઘાયલ

દુકાનની અગાસીની દીવાલ પડતાં ધંધાર્થી ઘાયલ
ભુજ, તા. 21 : શહેરનાં ટાંગા સ્ટેન્ડ ખાતે જર્જરિત દુકાનની અગાસીની દીવાલ એકાએક ધ્વસ્ત થતાં તેની નીચે છૂટક વસ્તુના ધંધાર્થીને ઈજા પહોંચી હતી. બનાવને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા અને ઘવાયેલા દુકાનદારને 108ની મદદથી ત્વરિત સારવાર અપાવી હતી. ભુજમાં નાગર ચકલા નજીક આવેલાં ટાંગા સ્ટેન્ડમાં ભૂકંપ પહેલાંના બે વાણિજ્યિક સંકુલ અતિ જર્જરિત હાલતમાં ઊભાં છે, જે પૈકી એક દુકાનની છત આજે એકાએક ધરાશાયી થઈ હતી. આ દુકાન પાસે જ છૂટક વસ્તુઓનું વેચાણ કરતા એક ધંધાર્થી પર દીવાલના પાણા પડતાં પગ સહિતના ભાગે ઈજા પહોંચી હતી. જો કે, સદ્ભાગ્યે માથું બચી જતાં ગંભીર ઘટના ટળી હતી. આ સમયે લોકો એકત્ર થઈ ગયા હતા અને ઘાયલ ધંધાર્થીને 108 મારફતે ત્વરિત સારવાર અપાવી હતી.  જો કે, હજુ પણ આ વિસ્તારમાં બે વાણિજ્યિક સંકુલ અતિ જર્જરિત હાલતમાં ગમે ત્યારે અકસ્માત સર્જે તે રીતે ઊભાં છે, જેને દૂર કરવાની લોકમાંગ ઊઠી છે. 

© 2022 Saurashtra Trust