ભુજમાં ચાંદી ગાળવાનાં કામનો કારીગર મોટા દલ્લા સાથે ગુમ થતાં અનેકનો માલ સલવાયો

ભુજમાં ચાંદી ગાળવાનાં કામનો કારીગર મોટા દલ્લા સાથે ગુમ થતાં અનેકનો માલ સલવાયો
ભુજ, તા. 21 : વડોદરામાં થયેલી મોટી ચોરીનો ચોરાઉ માલ વેંચાવાના મામલે તાજેતરના દિવસોમાં ચર્ચામાં આવેલી આ શહેરની સોનાચાંદી બજારના વેપારીઓ અને કારીગરોનો ત્રણેક કરોડ રૂપિયાનો માલ લઇને ચાંદી ગાળવાના કામ સાથે સંકળાયેલો મરાઠી કારીગર રફુચકકર થઇ જતા સંબંધીત અનેક જણ હતપ્રભ બની ગયા છે. મુળ મહારાષ્ટ્રનો વતની એવો રાહુલ મરાઠી નામનો આ યુવાન કારીગર લાપતા બનવા વિશે પોલીસ દફતરે પણ ગુમનોંધ કરાઇ છે.  શહેરમાં કંસારા બજાર વિસ્તારમાં હવેલી ફળિયા નજીક મોચી સમાજની વાડી પાસે દુકાન ધરાવતા રાહુલની દુકાન શનિવાર બપોર પછી ખુલી નથી. એકાદ-બે દિવસ મામલો અંદરોઅંદર ચર્ચામાં રહયા બાદ ગુપ્તરાહે શોધખોળ વચ્ચે અંતે આ બનાવ ઉછળીને સામે આવ્યો છે. એક બિનસત્તાવાર મોજણી મુજબ ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ અને કારીગરોનો કુલ મળી ત્રણેક કરોડનો માલ આ કારીગર પાસે રહી ગયો છે અને હવે તેનો કોઇ પતો નથી. વેપારીઓને સંલગ્ન વર્તુળો પાસેથી મળેલી માહિતી મુજબ ભુજના એક જાણીતા વેપારીની સાઇઠેક કિલો ચાંદી આ કારીગર પાસે રહી ગઇ છે. તો નજીકમાં જ દુકાન ધરાવતા અને ડમપાલીસ કામ કરતા વેપારીની પણ પચ્ચીસેક કિલો ચાંદી રાહુલ પાસે રહી ગઇ છે. સાઇઠેક કિલો ચાંદીવાળા વેપારીને સંલગ્ન સુત્રોએ રાહુલની દુકાનના તાળાં અને તિજોરી તોડવાના કિસ્સાને પણ અંજામ આપ્યાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. આ સંદર્ભે મળતી વધુ માહિતી અનુસાર વડોદરાની ચોરીના ચોરાઉ દાગીનાના પ્રકરણમાં પકડાયેલા વેપારી પાસે લાપતા બનેલા રાહુલ મરાઠીની ઉઠબેસ વધુ રહેતી હતી. આ બન્નેના ખાવાપીવાના વ્યવહારો પણ રહયા હોવાનું કહેવાય છે. ગુમ થવા પહેલા રાહુલ તેનો મોબાઇલ ફોન  બાજુની દુકાનમાં રાખી ગયો હતો. વ્યાપક પ્રમાણમાં ફોન આવવાના શરૂ થતા વેપારીએ રાહુલના ભાઇને બોલાવીને મોબાઇલ ફોન તેને સોંપ્યો હતો. તો આ પછીના ઘટનાક્રમમાં રાહુલ ગુમ થવા વિશે પોલીસ મથકે વિધિવત ગુમનોંધ પણ દાખલ કરાવાઇ હતી. ચાંદી ગાળવાનું કામ કરતા રાહુલ પાસે વેપારીઓ અને કારીગરો મળી પંદરેક જણનો માલ રહી ગયાની વિગતો સાંભળવામાં આવી રહી છે. ભુજ નજીકના મીરજાપર-સુખપર વિસ્તારના એક સોની વેપારી પાસેથી પણ જતા પહેલા આ કારીગર સોનાની ત્રણ ચેઇન લઇ જવાની કળા પણ કરી ગયો હોવાનું બહાર આવ્યું છે. રફુચકકર થઇ ગયાના થોડા દિવસો પહેલા રાહુલ દ્વારા આંગડીયા પેઢી મારફતે કરાયેલો 60 લાખની રકમનો હવાલો પણ ચર્ચા સાથે પોલીસના ધ્યાનમાં આવ્યો છે. આ દરમ્યાન જેમનો માલ ફસાયેલો છે તેવા વેપારીઓ અને કારીગરો હતપ્રભ બની જવા સાથે તેમની રીતે પ્રયાસોમાં લાગ્યાના સમાચારો પણ મળી રહયા છે.  

© 2022 Saurashtra Trust