ભારતીય દળમાં હરિયાણા-પંજાબનો દબદબો

નવી દિલ્હી, તા. 21 : ખેલોના મહાકુંભ ઓલિમ્પિક માટે ભારતે તેનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ ટોક્યો મોકલ્યું છે. ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં 127 એથ્લેટ ભાગ લેવાના છે. 23 જુલાઇથી તા. 8 ઓગસ્ટ સુધી ચાલનારા આ ઓલિમ્પિકમાં ભારતને શૂટીંગ, હોકી, રેસાલિંગ, બેડમિન્ટન, આર્ચરી, બોક્સિંગમાં મેડલ મળવાની આશા છે. છેલ્લા કેટલાક ઓલિમ્પિકની જેમ આ વખતે પણ ઓલિમ્પિકમાં હરિયાણા અને પંજાબના ખેલાડીઓની સંખ્યા સૌથી વધુ છે. બન્ને રાજ્યની ભારતની કુલ જનસંખ્યામાં ભાગીદારી 4.4 ટકા છે. આમ છતાં આ બન્ને રાજ્યના પ0 એથ્લેટ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવાના છે. જેમાં હરિયાણાના 31 અને પંજાબના 19 ખેલાડી છે. ટોક્યો ઓલિમ્પિકમાં તામિલનાડુના 11 ખેલાડી સામેલ છે. જ્યારે કેરળ અને યુપીના 8-8 એથ્લેટ ટોક્યો ગયા છે. ભારતની જનસંખ્યામાં લગભગ 17 ટકા ભાગીદારી રાખનાર ઉત્તર પ્રદેશ તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં 6.3 ટકા ખેલાડીનું યોગદાન છે. ભારતીય પુરુષ હોકી ટીમના 19 ખેલાડીમાંથી 9 હરિયાણાના છે. આ ઉપરાંત હરિયાણાના સાત પહેલવાન ટોક્યોના દંગલમાં ભારતનો પડકાર રજૂ કરશે. જેમાં 4 મહિલા અને 3 પુરુષ કુસ્તી ખેલાડી છે. હરિયાણા ચાર મુક્કેબાજ (3 પુરુષ અને 1 મહિલા) પંચ લગાવશે. આ ઉપરાંત હરિયાણાના ચાર નિશાનેબાજ પણ સામેલ છે. જેમાં બે મહિલા-બે પુરુષ ખેલાડી છે. પંજાબની વાત કરીએ તો પુરુષ હોકી ટીમમાં તેના 11 ખેલાડી સામેલ છે. પંજાબના બે શૂટર પણ ટોક્યોમાં નિશાન તાંકશે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer