ભારાપર નજીકથી 7.15 લાખનું બેઝ ઓઈલ પકડી લેતી પોલીસ

ગાંધીધામ, તા. 21 : તાલુકાના ભારાપર ગામ નજીક સાલ કંપની સામે ઉભેલા ટેન્કરમાંથી રૂા. 7,15,000નું 11,000 લીટર બેઝ ઓઈલ કંડલા પોલસે પકડી પાડયું હતું. ગેરકાયદેસર રીતે આ જવલનશીલ પ્રવાહી રાખવા બાબતે બે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો. ભારાપર નજીક આવેલી સાલ કંપનીની સામે ઉભેલા ટેન્કર નંબર જી.જે. 06 ટી-ટી-8054માં શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહી ભરેલું હોવાની પૂર્વ?બાતમીના આધારે પોલીસની ટીમ અહીં દોડી ગઈ હતી. ટેન્કર  પાસે હાજર ટેન્કરના ચાલક વિશાલ વજા અવાડિયા (રહે માથક)ની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં માલિક વીરા ગામના અરજણ ઉર્ફે ઘેલા જીવા ચાવડા હોવાનું આ શખ્સે જણાવ્યું હતું. આ ટેન્કરમાં ફયુલ ભરવા માટેના નોઝલ સાથે ઈલેકટ્રીક મોટર, નળી બેસાડવામાં આવી હતી. ટેન્કરમાં રહેલા માલ અંગે આધારા પુરાવા મંગાતા તે આપી  શકયા નહોતા. પોલીસે આ અંગે ગાંધીધામ મામલતદારને જાણ કરતા તેઓ અહીં આવ્યા હતા. અને ટેન્કરમાં ભરેલું પ્રવાહી બેઝ ઓઈલ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. આ પ્રવાહીનું પૃથ્થકરણ કરવા માટે નમૂના લઈ એફ.એસ.એલ. માટે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ જગ્યાએથી રૂા. 7,15,000નું બેઝ ઓઈલ, ટેન્કર, નોઝલ (પમ્પ), ડિઝિટલ કાંટો વગેરે મળીને કુલ રૂા. 13,45000નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ અરજણ ઉર્ફે ઘેલા ચાવડાને સીઝર મેમો આપવામાં આવ્યો  હતો. આ જવલનશીલ પ્રવાહી હોવાનું જાણવા છતાં ટેન્કરમાં ભરી, સુરક્ષાના સાધનો રાખ્યા વગર તથા સરકારની કોઈ પણ મંજૂરી વગર પોતાના આર્થિક ફાયદા માટે આ શખ્સોએ ગેરકાયદેસર રીતે આ પ્રવાહીનો સંગ્રહ કરતા આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 16/7ના બનેલા બનાવ અંગે ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer