કચ્છ જિલ્લા ગ્રામસેવક મંડળ દ્વારા પરિવાર વેલ્ફેર ફંડ નિર્માણનો ઠરાવ

ભુજ, તા. 21 : કચ્છ જિલ્લા ગ્રામસેવક મંડળની ત્રિમાસિક કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં `ગ્રામસેવક વેલ્ફેર ફંડ' નિર્માણ કરવા ઠરાવ કરાયો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી હાજર રહ્યા હતા. ઝોનના ઉપપ્રમુખ હરિભાઇ માતાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મંડળ વાર્ષિક સભ્ય ફી, ભવિષ્ય નિધિ, આવક-જાવક હિસાબો, બચત રહેલી રકમની એફ.ડી. બનાવવી વગેરે કાર્યવાહી ઉપરાંત ગ્રામસેવક સંવર્ગના નિયમિત પગાર / ફિક્સ પેના કોઇ પણ કર્મચારી નોકરીમાં જોડાયેલા હોય અને જિલ્લા મંડળનું સક્રિય સભ્યપદ ધરાવતો હોય એવા કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય તો કચ્છ જિલ્લા ગ્રામસેવક મંડળના તમામ સભ્યો પોતાનો એક દિવસનો પગાર એકત્ર કરી ફંડનાં નિધિ મંડળ મારફતે ગ્રામસેવકના પરિવારને આર્થિક સહાય પેટે આપવાનો ઠરાવ પસાર કરાયો હતો. ગત વર્ષે મંડળ દ્વારા રાપરના ગ્રામસેવક સ્વ. દિનેશભાઇ પરમારનું કોરોના સંક્રમણના કારણે અવસાન થતાં બે લાખની આર્થિક સહાય તેમના પત્નીને ચેક મારફતે અપાઇ હતી. અધ્યક્ષ શ્રી માતાએ રાજ્ય મહામંડળની ગતિવિધિ અંગે માહિતી આપી હતી. નવી રાજ્ય કારોબારીમાં કચ્છ જિલ્લામાંથી ઉપપ્રમુખ તરીકે એસ. પી. રોશિયાની સર્વાનુમતે વરણી કરાઈ હતી. આજની બેઠકમાં દિનેશભાઇ મેણાત, નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારીનું વિનુભાઇ ધરજિયા, હરિભાઇએ સન્માન કર્યું હતું. મહામંત્રી એસ. એન. વેગડ, પ્રવીણભાઇ મકવાણા, અરવિંદભાઇ સિંધવ અને મુંદરા, માંડવી, નખત્રાણા, અબડાસા, ભુજ, અંજાર, ભચાઉ તાલુકા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer