ઉચ્ચત્તર પગાર ધોરણ માટે મોકલાતી સેવાપોથીઓની સંખ્યા વધારો

ભુજ, તા. 21 : રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોને મળવાપાત્ર પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરી માટે શિક્ષકોની સેવાપોથીઓ ગાંધીનગર ખાતે હિસાબ અને તિજોરી નિયામક કચેરીએ મોકલવાની હોય છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની ફિક્સ પગારની સેવા સળંગ ગણવાના કારણે મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણના કેસોમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે. બીજીબાજુ નિયામક કચેરી દ્વારા દરેક જિલ્લાઓમાંથી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં શિક્ષકોની સેવાપોથીઓ સ્વીકારવામાં આવે છે જેના કારણે શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના કેસોમાં ખૂબ જ વિલંબ થાય છે. હાલ કોરોનાની પરિસ્થિતિમાં પણ સુધારો જણાય છે અને કચેરીમાં 100 ટકા સ્ટાફ પણ?કાર્યરત છે ત્યારે જુદા જુદા જિલ્લાઓમાંથી અને ખાસ કરીને વધારે મહેકમ ધરાવતા જિલ્લા અને તાલુકાઓમાંથી વધારે સંખ્યામાં શિક્ષકોની સેવાપોથીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતીશ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે નિયામક આર.?ટી.?શાહને રૂબરૂ મળીને કરવામાં આવી હતી તેવું રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા તથા મંત્રી વિલાસબા જાડેજાની યાદીમાં જણાવાયું હતું. હાલની પરિસ્થિતિમાં સેવાપોથીઓ ચકાસણી કામગીરી ઓનલાઇન કરવામાં આવે તો તેમાં ઝડપ આવી શકે છે તેવું સૂચન કરાયું હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા મહામંત્રી કેરણાભાઇ આહીરે ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer