અંજારમાં નિર્માણ પામતું રાજ્યનું શાકભાજી માર્કેટયાર્ડ

અંજારમાં નિર્માણ પામતું રાજ્યનું શાકભાજી માર્કેટયાર્ડ
રશ્મિન પંડયા દ્વારા -  અંજાર, તા. 18 : અહીં રાજ્યના મોડેલ શાકભાજી-ફ્રૂટ માર્કેટયાર્ડનું રૂા. 50 કરોડના ખર્ચે 10 એકર જમીન પર પૂરજોશમાં નિર્માણકાર્ય ચાલુ છે. 500થી વધુ વેપારીઓને વિશાળ જગ્યામાં ધંધા-રોજગારને નવી ગતિ આપવાની તક મળશે. આ બાંધકામ સંભવિત ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે. વિનાશક ભૂકંપ બાદ અનેક વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખૂલ્યા હતા. તેવી જ રીતે કોરોનાકાળમાં પણ લોકોના ધંધા-રોજગાર અને વ્યાપાર ક્ષેત્રે વિકાસની નવી તકો પ્રાપ્ત થઈ છે. સમગ્ર કચ્છમાં શાકભાજી-ફળોના વિતરણ માટેનું મોટું હબ ગણાતા અંજારમાં એ.પી.એમ.સી. દ્વારા સમગ્ર રાજ્યનું મોડલ યાર્ડ બનાવવા આધુનિક સુવિધા સાથે વિશાળ રસ્તા, પાર્કિંગની સુવિધા સાથેનું નિર્માણકાર્ય જોશભેર ચાલી રહ્યું છે. આ અંગેની વિગત આપતાં કચ્છ કુરિયન તરીકે જાણીતા અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન તેમજ સરહદ ડેરી અને એ.પી.એમ.સી.ના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે, રૂા. 50 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહેલા શાકભાજી યાર્ડનું આગામી 25 વર્ષનું આયોજન વિચારી શહેર તેમજ તાલુકાની વસતીને ધ્યાનમાં રખાઈ છે. આ યાર્ડમાં 2 લાખ ચો.ફૂટથી વધુ બાંધકામ અને 23 હજાર ચો. મીટર રસ્તા તેમજ વિશાળ ગેટ, પેરાફેરી રોડ, દીવાલ તેમજ હાઈવે સુધી જોડતા ફોરલેન માર્ગનું આયોજન કરાયું છે. કચ્છમાં થતી બાગાયતી પેદાશ આંબા, ખારેક, દાડમ તેમજ અન્ય બાગાયતીના ઓક્શન માટે વિશાળ બે મોટા શેડ, એક એકર જમીનમાં નિર્માણ કરાયું છે. રૂા. 2 કરોડના ખર્ચે 34/60 ફૂટનો વિશાળ રોડ તૈયાર કરાયેલો છે. આ યાર્ડમાં 500થી વધુ વેપારીઓ માટે 100 ફૂટના 228 નાના થલ્લા, 90 દુકાનો 334 ફૂટની તેમજ 133 દુકાન અને ગોદામ 650 ફૂટ અને 90 દુકાન-ગોદામ 900 ફૂટનીનું નિર્માણ કર્યું છે. જેના કારણે વેપારી કમિશન એજન્ટોને વિશાળ સુવિધા મળી રહેશે. અદ્યતન યાર્ડમાં સી.સી. કેમેરા, ટી.વી., લાઈટ, રોડ, પાણી, અદ્યતન ડ્રેનેજ સિસ્ટમ, ફાયર સિસ્ટમ, વિશાળ પાર્કિંગ સુવિધા સાથે આ યાર્ડનું પ્લિંથ-લેન્ટર તેમજ 25 ટકાથી વધુ સ્લેબ સુધીનું બાંધકામ પૂર્ણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે જૂનું માર્કેટયાર્ડ ફક્ત 16 હજાર ચો. ફૂટમાં જ હોવાથી વર્તમાનમાં અનેક સમસ્યાઓ ઊભી થતી હતી, પરંતુ આ નવા નિર્માણથી ટ્રાફિક, લોકોની ભીડની સમસ્યા દૂર થશે. આ અંગે શ્રી હુંબલે જણાવ્યું કે, આ શાકભાજી યાર્ડમાં સમગ્ર કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યના વેપારીઓ પોતાનો માલ ખરીદ-વેચાણ કરતા હોવાથી તેમજ મુંદરા અને કંડલા બંદરની સુવિધાથી વિકાસને નવી ગતિ પ્રાપ્ત થશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મંત્રી મૂળજીભાઈ મ્યાત્રા, ઉપાધ્યક્ષ દુદાભાઈ બરારિયા, બાંધકામ કમિટીના ચેરમેન, અંજાર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને ડાયરેક્ટર વેલાભાઈ ઝરુએ જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છનું વડુંમથક બનવા જઈ રહેલા આ ઐતિહાસિક શહેરના લોકોને સુવિધા પ્રાપ્ત થશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer