અદાણી ફાઉન્ડેશન ખેડૂતોને ટપક સિંચાઈમાં મદદ કરતાં 70 ટકા પાણી બચાવી શકાયું

અદાણી ફાઉન્ડેશન ખેડૂતોને ટપક સિંચાઈમાં મદદ કરતાં 70 ટકા પાણી બચાવી શકાયું
મુંબઈ, તા. 18 : પાણીને આપણે બનાવી શકીશું નહીં પણ બચાવી જરૂર શકીશું. એક અંદાજ મુજબ જેટલું પાણી ભૂગર્ભમાં છે તેમાં સૌથી વધારે પાણી ખેતીમાં પાકોનાં?ઉત્પાદન માટે વપરાય છે. આ વધારે વપરાશનું કારણ પિયતની પદ્ધતિ અને ખેડૂતો આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે પાણી વધારે વપરાય છે. આવું ન બને તે માટે અદાણી ફાઉન્ડેશન-મુંદરાએ આ સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી મુંદરા તાલુકામાં ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિનો વપરાશ કરે તે માટે મદદરૂપ બનવાનું વર્ષ 2010થી નક્કી કર્યું. ગુજરાત સરકાર દ્વારા મળતી સબસિડી ઉપરાંત નાના અને સીમાંત તથા મોટા ખેડૂતોને પણ ટપક પદ્ધતિ કાર્યરત થયાના પ્રમાણપત્ર મળે એટલે સીધી ખેડૂતોનાં ખાતાંમાં જમા કરાવી દેવામાં આવે છે. જેના માટે ખેડૂતની ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા અરજી પાસ થયેલી હોય, માન્ય કંપની પદ્ધતિ અપનાવેલી હોય તે જરૂરી છે, જમીન પિયતનું સાધન, બેંકમાં પોતાનું ખાતું હોય અને અદાણી ફાઉન્ડેશનના નિયત નમૂનાનાં ફોર્મમાં અરજી કરેલી હોય તેવા ખેડૂતોને વાર્ષિક લક્ષ્યાંક હોય તે પ્રમાણે ખેડૂતોને મદદ આપવામાં આવે છે. આ કામગીરી મુંદરા તાલુકામાં પ્રથમ તબક્કામાં વર્ષ 2010-12 સુધીમાં 61 ગામોમાં 606 ખેડૂતોને ખેડૂત દીઠ 3 એકરની મર્યાદામાં રૂપિયા 81,000ની મદદ કરવામાં આવી, જ્યારે બીજા તબક્કામાં વર્ષ 2018-20 સુધીમાં 35 ગામોના 362 ખેડૂતોને પાંચ એકરની મર્યાદામાં ખેડૂત દીઠ રૂપિયા 40,000 સુધીની મદદ કરવામાં આવી. આમ કુલ 968 ખેડૂતો તથા 5,626 એકરમાં જમીનમાં વિવિધ પાકો જેવા કે કપાસ, એરંડા, શાકભાજીના પાકોમાં રીંગણી, ટામેટાં, મરચાં, વેલાવાળા શાકભાજી, બાગાયતી પાકો દાડમ, ખારેક, ચીકુ, બોર, પપૈયા, કમલમ તથા ઘાસચારાના પાકોનો ઉપયોગ કરી રહ્યા છે. જેના લીધે કુલ 5626 એકર જમીન માટે વપરાતા ભૂગર્ભજળની 70 ટકા બચત કરી શક્યા. આગામી વર્ષમાં કુલ 100 એકર અને 60 જેટલા ખેડૂતોને આ ટપક સિંચાઈ માટે મદદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ પાકને પૂરતા ભેજની જરૂર છે. ક્યારા ભરીને પાણી આપવાની જરૂર નથી. ખેતીવાડીમાં આઠ કલાક મળતા વીજ પાવરથી પણ ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે પિયત આ પદ્ધતિને કારણે કરી શકે છે. અમુક ગામો 100 ટકા ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવતું ગામ બનવાની તૈયારીમાં છે. ખેડૂતોએ પ્રતિભાવોમાં જણાવ્યું કે અમારા બોરનાં પાણીનાં સ્તર સ્થિર થયાં. પાણીનો બગાડ અટકી ગયો. નિંદામણ ઘટી ગયું. પિયત સમય પ્રમાણે અને પૂરતું આપી શકીએ છીએ. ધોરિયા-પાળા બનાવવાનો ખર્ચ ઘટયો, ખાતરો પણ આપી શકીએ.અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિબેન અદાણીએ પોતાનો રાજીપો વ્યક્ત કરતાં  જણાવ્યું કે, પાણી બચાવવાની સાથે આપણી મહામૂલી જમીન પણ સુધરશે. ડાયરેક્ટર વી.એસ. ગઢવીએ કહ્યું કે, કચ્છનો ખેડૂત પાણીનો વાજબી ઉપયોગ અને જાળવણી કરતો થશે તો કચ્છડો બારે માસ લીલો જ રહેશે. એપીસેઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું કે, કચ્છનો ખેડૂત સાચું માર્ગદર્શન અને સમયસરની મદદ મળે તો તેનું પરિણામ આપીને જ જંપે છે. યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેને ખેડૂતો સાથે વાતચીત કરતાં કહ્યંy કે, જો તમે કાળજી રાખીને આ ટપક પદ્ધતિને વાપરશો તો તે જમીન, પાણી, સમય અને વધારાના ખર્ચમાં ખૂબ ફાયદો થશે.આ લાંબા ગાળાની કામગીરી પાર પાડવામાં  ટીમમાં જયરામ દેસાઈ, રાઘુભાઈ ગોયલ, રાજુભાઈ સોલંકી, વિરલભાઈ પારેખ, પારસભાઈ મહેતા અને માવજીભાઈ બારૈયા વગેરેએ ખેડૂતો સાથે રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer