સંગ્રહિત વરસાદી પાણીનો ઉપયોગ એ જળ વ્યવસ્થાપનનો શ્રેઁષ્ઠ ઉપાય

સંગ્રહિત વરસાદી પાણીનો ઉપયોગ એ જળ વ્યવસ્થાપનનો શ્રેઁષ્ઠ ઉપાય
ભુજ, તા. 18 : સંગ્રહિત વરસાદી પાણીનો ઉપયોગ કરવો તે જળ વ્યવસ્થાપનનો શ્રેષ્ઠ ઉપાય છે, તેવું વરસાદી પાણીનાં સંગ્રહ માટે 4.50 લાખનાં ખર્ચે તૈયાર થનાર એક લાખ લિટરનાં ટાંકાનાં નિર્માણનું અધ્યક્ષસ્થાનેથી ભૂમિપૂજન કરતાં નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું.`જળ સાથી' ભૂજલ જાણકાર ઇન્સ્ટિટ્યૂટના સહકારથી અને કચ્છ મહિલા વિકાસ સંગઠન અને `હોમ ઇન ધ સિટી'નાં અનુદાનથી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે નિર્માણ પામનાર એક લાખ લિટર વરસાદી પાણીનાં સંગ્રહનાં ટાંકાથી શાળાની 1500 જેટલી દીકરીઓને પીવાનું પાણી પૂરું પાડી શકાશે. આ પ્રસંગે જિ.શિ. અધિ. કચેરીનાં શિક્ષણ નિરીક્ષક ભૂપેન્દ્રસિંહ વાઘેલા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક બિપિનભાઇ વકીલ, પ્રોજેકટ ઇન્ચાર્જ `જળસાથી'નાં ગોપાલભાઇ,  શાળાનાં આચાર્યા મીતાબેન  ગોસ્વામી તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. મંચસ્થોનું સન્માન કરાયું હતું.પ્રાસંગિક ઉદ્બોધનમાં ગોપાલભાઇએ આ કાર્ય કરતી સંસ્થાઓનો પરિચય આપી વરસાદી પાણીનાં ફાયદાની જાણકારી આપી હતી. શ્રી વાઘેલાએ સ્કૂલ દ્વારા થતા પર્યાવરણ રક્ષણના અને પાણી બચાવના પ્રયત્નોને બિરદાવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પ્રજાપતિએ શુભેચ્છા પાઠવી હતી. અધ્યક્ષસ્થાનેથી ઘનશ્યામભાઇએ નગરપાલિકા તરફથી સહયોગની ખાતરી આપી `જળ સાથી' સંસ્થાનાં કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. સંચાલન પ્રગતિબેન વોરા, આભારવિધિ પ્રતિક્ષાબેન હાથીએ કરી હતી. - અગાઉ 11 સરકારી શાળામાં સંસ્થા દ્વારા ટાંકા બનાવાયાં : જળસાથી ભૂજલ જાણકાર ઇન્સ્ટિ.ના ગોપાલભાઇ રીલનો `કચ્છમિત્રે' સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી 11 સરકારી શાળામાં વરસાદી પાણી સંગ્રહ માટે ટાંકા બનાવાયાં છે. થોડા સમય પહેલાં જ હાથીસ્થાન કન્યા શાળામાં રૂા. 1,65,00નાં ખર્ચે 25 હજાર લિટરની ક્ષમતાનો ટાંકો બનાવાયો હોવાનું જણાવી આ પ્રોજેકટમાં 10 ટકા સહયોગ શાળા પાસેથી લેવાય છે. બાકીનો ખર્ચ કે.એમ.વી.એસ. સંસ્થા તરફથી અપાય છે. આ કાર્યમાં આશિષ મિશ્રાનો સહયોગ સાંપડી રહ્યો છે. 

© 2022 Saurashtra Trust