માંડવીમાં 11.85 કરોડના ખર્ચે બનેલા પુલનું સંભવિત 20મીએ થશે લોકાર્પણ

માંડવીમાં 11.85 કરોડના ખર્ચે બનેલા પુલનું સંભવિત 20મીએ થશે લોકાર્પણ
માંડવી, તા. 18 : અહીં રાજાશાહીના જમાનામાં રૂકમાવતી નદી ઉપર બનેલો પુલ 130 વર્ષથી અડીખમ ઊભો છે. 100 વર્ષની અપાયેલી આવરદા પૂરી થતાં તેના પરથી ભારે વાહનોની અવર-જવર ઉપર લાંબા સમયથી પ્રતિબંધ છે. આ સ્થળે નવા બનેલા પુલનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી 2019માં 11.85 કરોડના ખર્ચે નવો પુલ રાજાશાહીના જમાનામાં બનાવાયેલા પુલની બાજુમાં જ 250 મીટર લંબાઈ, 1પ મીટર પહોળાઈમાં બન્ને બાજુ પ-પ ફૂટની ફૂટપાથ અને દોઢ-દોઢ ફૂટની પેરાપેટ સાથે બન્યો છે. 11 મીટર જેટલો રસ્તો વાહનચાલકોના ઉપયોગ માટેના પુલનું લોકાર્પણ કરવામાં આવશે. સંભવિત 20મી જૂનના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે અન્ય લોકાર્પણ સાથે માંડવીના પુલનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ નીતિનભાઈ પટેલના હસ્તે થાય તેવી સંભાવના છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન નદીમાં આવતા પાણીના પ્રચંડ પ્રવાહને કારણે નિયમિત રીતે તૂટતા કોઝવેના લીધે વાહનવ્યવહાર બંધ થતો તે મુશ્કેલીનો આ નવો પુલ શરૂ થઈ જવાથી અંત આવશે તેવું નગરજનો કહે છે. 

© 2022 Saurashtra Trust