વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના અંધારા ઉલેચવામાં કચ્છની ટીમોની મહત્ત્વની ભૂમિકા

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના અંધારા ઉલેચવામાં કચ્છની ટીમોની મહત્ત્વની ભૂમિકા
અંજાર, તા.18 : તૌકતે વાવાઝોડામાં પીજીવીસીએલને થયેલી પારાવાર નુકસાની બાદ વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવાની કામગીરીમાં મદદ કરવા માટે કચ્છમાંથી કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઇ માતાની આગેવાની હેઠળ અંજાર અને ભુજ સર્કલમાંથી 45 કોન્ટ્રાકટર  મિત્રો 300થી વધારે શ્રમિકો સાથે રાત-દિવસ જોયા વગર કામગીરી કરી રહ્યા છે. તેમની સાથે બન્ને સર્કલના કુલ્લ 100 જેટલા કર્મચારી-અધિકારીઓ 25 વાહનો સાથે ખડેપગે પોતાની સેવા આપી રહ્યા છે. આ તમામના પ્રયત્નો થકી ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ જિલ્લાના ઉના, કોડીનાર, તળાજા, મહુવા, પાલીતાણા, સિહોર, વિસાવદર, લાઠી, બાબરા, ધારી, રાજુલા અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં તાકીદના ધોરણે પ્રથમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જે.જી.વાય. તેમજ વોટર વર્કસના ફીડરો ચાલુ કરી તે વિસ્તારને પુન: ધમધમતું કરી લોકોની નામના મેળવી છે. વાવાઝોડું આવતાં ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ દ્વારા તાકીદે કોન્ટ્રાકટર એસોસિયેશન સાથે ગાંધીનગર મુકામે મિટિંગ કરી તાકીદે વીજ પુરવઠો ચાલુ કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયારી કરી હતી અને તેમના માર્ગદર્શન તેમજ સૂચના મુજબ ત્વરિત કામગીરી ચાલુ કરી દેવાતાં ખૂબ નુકસાન પામેલા વીજ માળખાને તાકીદના ધોરણે ધમધમતું કરવામાં સફળતા મળી છે. કચ્છમાં 1998-99માં આવેલા વાવાઝોડા તેમજ 2001માં આવેલા ભયાનક ભૂકંપ બાદ વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવાની કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા કચ્છના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરી અત્યારે આવેલા તૌકતે વાવાઝોડામાં ખૂબ  જ ઝડપી કામગીરી હાથ ધરી તમામ ઉચ્ચ અધિકારીઓની તેમજ સ્થાનિક પ્રજાની પ્રશંસા કચ્છની ટીમે મેળવી હતી. આ કામગીરી દરમ્યાન પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેકટર શ્વેતાબેન ટિયોટીઆ દ્વારા પણ સતત સ્થળ પર હાજર રહી કર્મચારીઓ, અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરના માણસોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. કચ્છના પૂર્વ પશ્ચિમ કચ્છના એ.સી. અમૃત ગરવાએ પણ કામગીરી બિરદાવી હતી. કચ્છમાંથી અંદાજે 10 હજારથી વધારે પી.એસ.સી. પોલ (થાંભલાઓ) તાકીદના ધોરણે સિવિલના અધિકારીઓ દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં મોકલાયા હતા. કચ્છ સૌરાષ્ટ્ર કોન્ટ્રાકટર એસોસિયેશનની ટીમ દ્વારા તમામ વિસ્તારમાં પ્રવાસ કરી કોઇ પણ કોન્ટ્રાકટરના માણસને મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન ગોઠવ્યું હતું. ગોપાલભાઇ માતા, જયેશભાઇ કોટડિયા, રાજભા ઝાલા, કનકસિંહ ઝાલા, કરીમભાઇ તવાણી, પૃથ્વીરાજસિંહ ભાવનગર, પ્રહલાદસિંહ જાડેજા, ગોવાભાઇ ગાગલિયા, સુરેશ ભારતી વિગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer