બીજી લહેરમાં ભચાઉ પંથકમાં સેવાની સરવાણી રંગ લાવી

બીજી લહેરમાં ભચાઉ પંથકમાં સેવાની સરવાણી રંગ લાવી
કમલેશ ઠક્કર દ્વારા -  ભચાઉ, તા. 18 : તાલુકામાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. ટપોટપ મરણ થતાં વાતાવરણ ભયભીત હતું તેવામાંય અનેક ગ્રામીણ તબીબો એક તબક્કે કોરોના પોઝિટિવ કે અન્ય બીમારીવાળા હતા ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરવી ખતરારૂપ હતી, આમ છતાં સેવાની સરવાણી અને હૂંફ સભરના આયોજન રંગ લાવ્યા હતા. લાકડિયા ગામમાં તો પ્રારંભિક બે ચાર દિ' ભયજનક હતું, ત્યારે ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખૂટતી દવાઓ, ભુજ-ગાંધીધામ ભચાઉથી દાતાઓના સહયોગે લાવી આપતા. મુલાકાત બાદ જરૂરતમંદોને મળતી. ત્રણ દિવસ સદંતર ગામ બંધ રખાયું. સ્મશાનને દુરસ્ત કરાયું, નવું બનાવવાનું આયોજન કરી વિશાળ બનાવવા દાતાઓથી સહયોગ લઇ કામ ચાલુ કરી નખાયું. સાથે યુવાનો  આખા ગામમાં કાળા ઉકાળા પીવડાવવા નીકળી પડતા, જેમાં ફતેહમામદ રાઉમા, લાભુ મારાજ, કનુ મારાજ વગેરે કામે લાગ્યા હતા. લાકડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ઘટ છે તે  પૂરવાની ખૂબ જરૂર છે. - સામખિયાળીની સેવાઓ : હાઇવે પટ્ટીનું કચ્છનું પ્રવેશદ્વાર કોરોના કાળમાં ઓક્સિજન ઝોન કંપની સહયોગ સેવાભાવીઓની સેવા ભાવનાથી 24 કલાક સેવારત રહ્યું હતું. નવું સરકારી દવાખાનું તૈયાર બિલ્ડીંગ બંધ હતું તે ગામ આગેવાનોએ  ગાંધીગીરી-રજૂઆતોથી ખુલાવી નાખ્યું. સોશિયલ મીડિયા સેવામાં લાગ્યું. કચ્છથી નીકળતા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સામખિયાળીથી મળતા. છાડવાડાથી સિલિન્ડર- સાધનો મળી રહેતા. ખાનગી ડોક્ટરો સંગાથે આગેવાનોએ  સેવાનું કાર્ય કર્યું. નાની-મોટી દવાઓ  આપતા રહ્યા. રાશનકિટ જરૂરતમંદોને અપાઇ. સ્મશાન માટે લાકડા કાપવા આગેવાનો  સીમમાં જઇ કામ કરતા. ખેડૂતે અઢી-ત્રણ લાખની રકમનું દાન કર્યું હતું. ટેસ્ટીંગ વધારવા કિટ માટે નાણાં ખર્ચ્યા. ગ્રામ પંચાયત તબક્કાવાર  બજાર-ફળિયાને  સેનિટાઇઝ કરતી રહી. 18 ગામના જંકશન સમા સામખિયાળી ગામના સરકારી દવાખાનાઓ એમ.બી.બી.એસ. તબીબ નથી. તે કરુણતા છે. અનેક ઉદ્યોગો આસપાસમાં ગામડા માટે ખરીદીનું મથક, સિક્સલેન રેલવેનું જંકશન પણ છે. ખાટલે મોટી ખોટ  ક્વોલિફાઇડ તબીબ નથી. બીજી લહેર કોરોના મહામારીમાં ભગવાને રક્ષા કરી. સેવાભાવીઓએ તનતોડ મહેનત સાથે નિર્ભય બની કામે લાગ્યા. આરોગ્ય કેન્દ્ર બહાર વીસ-ત્રીસ બાંકડા પણ ગોઠવી દીધા, જેથી પ્રવાસી વર્ગ ગ્રાહકો નિરાંતે બેસી શકે. ચોબારી ગામે મુંબઇથી આવેલા યુવાનો તાલુકા પંચાયતમાં સભ્યો દરેક રાષ્ટ્રીય પક્ષમાં કાર્યકરોએ  ગામની વસતીને બચાવવા કમર કસી. પ્રાથમિક સારવાર માટે કાળા ઉકાળા, હોમ કવોરેન્ટાઇન, વાડી ક્વોરેન્ટાઇન, દવા પહોંચાડવી, કચ્છ ગુજરાતમાં દવાખાનાઓથી સંપર્ક કર્યો. દર્દીઓને સંપર્ક માટે ખસેડયા. મૃતકો તરફી અંતિમ સંસ્કાર કરવા કામ કર્યું. સાવચેતીમાં કોઇ સમાધાન ના કર્યું. નંદગામ,યશોદાધામ, ગોકુલધામ તરફ પણ લક્ષ્મણ તેજાભાઇ આહીર, સરપંચ તરફથી વિવિધ આગેવાનોનો સહયોગ લઇ કામ કરવામાં આવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer