ખીરસરા (વિં.)ના હિંગોરા સમાજ દ્વારા કોમી એકતાની મિશાલ કાયમ કરાઇ

ખીરસરા (વિં.)ના હિંગોરા સમાજ દ્વારા કોમી એકતાની મિશાલ કાયમ કરાઇ
ખીરસરા (વિંઝાણ) (તા. અબડાસા), તા. 18 : તાલુકાના છેવાડાના ખીરસરા (વિં.) ગામમાં એક ગરીબ પરિવારના એક સભ્યને કારોના થતાં તેમને તાત્કાલિક ધોરણે રાતા તળાવ કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા, ત્યાં ત્રણ દિવસ સુધીમાં કોરોનાની તો રિકવરી આવી ગઇ પણ તે ભાઇને કમરથી  પગ સુધીની પીડા ઉપડતાં તાત્કાલિક ધોરણે ભુજ અને ત્યાંથી અમદાવાદ ખસેડાયા હતા, પણ પીડા ઓછી ન થતાં આખરે ડોકટર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે પગને ઘૂંટણ ઉપરથી કાપવો પડશે.ત્યારે આ પરિવાર પર જાણે આભ ફાટયું. મોભી પોતે તો બીમાર હોવાથી તેમના ધર્મપત્ની દ્વારા ગામના સરપંચ રજાક હિંગોરાને વેદના સંભળાવી ત્યારે સરપંચે આ  પરિવારને મદદરૂપ થવા વોટસએપ પર એક અપીલ કરતાં ગામમાં રહેતા હિંગોરા જ્ઞાતિના લોકોએ મદદના બે-બે હાથ કરીને એક જ દિવસમાં 62,000 જેટલી રકમ જમા કરી જુમ્માભાઇ મહેશ્વરીના પરિવારને આવી કપરી પરિસ્થિતિમાં સહાય કરી. હિંગોરા સમાજે કોમી એકતાની માનવતાની મિસાલ કાયમ કરી હતી. આ બાબતે સરપંચ સંગઠનના મહામંત્રી રજાક હિંગોરાએ જણાવ્યું કે, આવી અનેક બાબતોમાં હરહંમેશ હિંગોરા સમાજ ખડેપગે નાત-જાતના ભેદભાવ વગર મદદરૂપ થતો હોય છે, અને તેમણે એક હિંદી શાયરીમાં પોતાના ગામની તારીફ કરી હતી. 

© 2022 Saurashtra Trust