ડીપીટી ગાંધીધામને આપશે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ

ગાંધીધામ, તા. 18 : અગાઉ નિર્ધારિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની ટ્રસ્ટી બોર્ડ બેઠક આજને બદલે હવે 25મીએ મળનારી છે ત્યારે તેની એજન્ડા આઇટેમોમાં વધારો થઇ?રહ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેરે કચ્છમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂરિયાત ઊભી કરી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા આ માટે ડીપીટીને વિનંતી કરાઇ હતી. ડીપીટી અધ્યક્ષ એસ.કે. મહેતાએ તેનું મહત્ત્વ સમજતાં અને બંદરો, જહાજ તથા જળમાર્ગ મંત્રાલયે પણ તમામ મહાબંદરોને આરોગ્યક્ષેત્રે માળખાંકીય સુવિધા ઊભી કરવા જણાવતાં હવે ડીપીટી પૂર્વ કચ્છની  પ્રથમ એવી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ કમ નર્સિંગ કોલેજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) ધોરણે ઊભી કરવા તૈયાર છે. 25મીની બોર્ડ બેઠકમાં આ અંગે પ્રાથમિક મંજૂરી મેળવાશે. ડીપીટીએ  આ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) પણ જારી કરી દીધું છે. ડીપીટીના આ પગલાંને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.ડીપીટીના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સૂચિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગંભીર કહી શકાય તેવી તમામ મોટી બીમારીઓનો ઇલાજ થઇ શકે તેવું ડીપીટીનું વલણ છે. હોસ્પિટલના સંચાલન માટે સારા જૂથ આકર્ષાય અને લોકોનો ઇલાજ યોગ્ય રીતે થઇ શકે તે માટે ઓછામાં ઓછા 100 બેડ (વધારીને  150 બેડ થઇ શકે) તેવું ભવન તથા નર્સિંગ કોલેજ અને તેમાં જરૂરી તમામ સંસાધનો ડીપીટી તેના નાણાકીય સ્રોતમાંથી ઉપલબ્ધ કરાવશે. આ હોસ્પિટલ યોજનાને પ્રથમ અગ્રતા આપી તેના નાણાંકીય તથા તકનિકી અંદાજ તૈયાર કરવા, કઇ કઇ સુવિધા આપવી તે માટે એક સર્વેક્ષણ હાથ ધરવું વગેરે કાર્ય માટે સત્વરે એક કન્સલ્ટેટની નિયુકિત કરવા ડીપીટીએ તૈયારી કરી લીધી છે. બોર્ડની પ્રાથમિક મંજૂરી મળ્યા બાદ ડીપીટીનો આરોગ્ય વિભાગ તેના અંદાજપત્રમાં આ યોજનાને સામેલ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.ગાંધીધામ સંકુલ તથા આસપાસના વિસ્તારમાં વસતા લોકોને ડીપીટી પોતાની સામાજિક જવાબદારીઓના ભાગરૂપે આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની યોજનાને  ખૂબ જ મહત્ત્વની ગણાવી રહ્યું છે. આ યોજનાને  ડીપીટીના ચીફ ઇજનેર તથા મુખ્ય આરોગ્ય અધિકારીએ પ્રસ્તુત કરી છે, જેને નાણાં વિભાગે લીલીઝંડી આપી હોવાનું આ સૂત્રોએ જણાવ્યું હતું.ગત ફેબ્રુઆરીમાં જ આ હોસ્પિટલ પરિયોજના અર્થે વૈશ્વિક એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ પણ તૈયાર કરી લેવાયું છે. જેના આધારે હોસ્પિટલ સંચાલનમાં  રસ ધરાવનાર જૂથોને આકર્ષાશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer