મુંદરા બંદરે ગેરકાયદે કેરોસીન - ડીઝલનો કારોબાર પકડાયો

મુંદરા, તા. 18 : સ્થાનિક બંદર ઉપર ગ્લાઇકોર (લિક્વિડ)ની આડમાં કેરોસીન અને ડીઝલનો જથ્થો ઘૂસાડતી ગેંગનો કસ્ટમ તંત્રે પર્દાફાશ કર્યો છે અને અત્યાર સુધીમાં 57 જેટલાં કન્ટેઇનર બંદર સ્થિત એક્ઝિમ સી.એફ.એસ. અને એમ.આઇ.સી.ટી.ના સી.એફ.એસ.માં સીઝ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 40 જેટલાં કન્ટેઇનરને દિલ્હી ખાતે સીઝ કરી દેવામાં આવ્યાં છે.મુંદરા કસ્ટમના ડે. કમિશનર અનુપસિંઘની સૂચનાથી સ્થાનિક એસ.આઇ.આઇ.બી.ની ટીમે જહાજમાંથી ઉતરતાની સાથે તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ કન્ટેઇનરોને અલગ રાખી તેમાં રહેલા કાર્ગોના નમૂના કસ્ટમ લેબ-કંડલા ખાતે મોકલ્યા હતા, જેમાં આઠ જેટલાં ટેન્ક કન્ટેઇનરોનો રિપોર્ટ કેરોસીન તથા બાકીના 49 કન્ટેઇનરોમાં રહેલા કાર્ગોના સેમ્પલ ડીઝલનો આવ્યો છે. આમ, ડીકલેર કાર્ગો ગ્લાઇકોર (લિક્વિડ) હતો, પરંતુ તેમાંથી પ્રતિબંધિત ડીઝલ અને કેરોસીન મગાવવામાં આવ્યું છે. ઝડપી લેવાયેલા કાર્ગોની કિંમત અંદાજે રૂા. 70 કરોડ જેટલી થાય છે. આ કાર્ગો મગાવનાર પાર્ટીઓ (આયાતકાર) દિલ્હી, બાગપત અને ફરિદાબાદની છે. આ માલ મુંદરા પોર્ટથી ટ્રેન મારફતે તુઘલખાબાદ આઇ.સી.ડી.માં જવાનો હતો અને ત્યાં ક્લીયર થવાનો હતો, પણ સ્થાનિકની એસ.આઇ.આઇ.બી.એ આ કારસ્તાનને ઝડપી લીધું છે. પ્રતિબંધિત ડીઝલ-કેરોસીન ભારત સરકારની પેટ્રોલિયમ કંપનીઓ જ મગાવી શકે. આમ, પેટ્રોલિયમ એક્ટ-1976 અને કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મુંદરા પોર્ટ ઉપર વર્ષોથી આ પ્રતિબંધિત પેટ્રોલ - ડીઝલ - કેરોસીનના ધંધાનો કારોબાર ચાલે છે, જે અત્યાર સુધીમાં બેઝ ઓઇલ, સ્લઝ ઓઇલ અને વેસ્ટ ઓઇલ જેવાં નામે પૂરબહારમાં ચાલે છે. આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે મુંદરા, ગાંધીધામ, ભુજ ઉપરાંત હવે દિલ્હી તુઘલખાબાદ અને પાનીપતનાં નામો પણ જોડાયાં છે. આ બેનંબરી કારોબારમાં આયોજનપૂર્વકનાં ચોક્કસ ગણિત સાથે દુબઇથી ટેન્ક કન્ટેઇનરોમાં આ માલ મગાવવામાં આવે છે, પણ તે પહેલાં કસ્ટમતંત્રના અમુક ચોક્કસ ઉચ્ચ અધિકારીઓ સાથે સેટિંગ કરી માલના સેમ્પલ કંડલાની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જ્યાં સેટિંગ કરી જરૂરી  રિપોર્ટ એ જ દિવસે મગાવી સફળતાપૂર્વક માલને બહાર કાઢી જવામાં આવે છે. કંડલા લેબ કેટલાંય વર્ષોથી શંકાના દાયરામાં છે અને કાયમ વિવાદનું કેન્દ્ર બની છે. આ ગોરખ કે બેનંબરી ધંધામાં ગાંધીધામના પાંચ અને મુંદરાના ચાર મળી લગભગ નવ જેટલા કસ્ટમ એજન્ટની ભૂમિકા હોવાનું જાણવા મળે છે. ભૂતકાળમાં આવા એજન્ટો સામે ઘણા કેસો થયા છે, છતાં મોંઘી કિંમતની કારો લઇને મુંદરા આવતા લોકો સહેલાઇથી ગમે તે ઓફિસરની કેબિનમાં ઘૂસી જઇ નોટોનાં બંડલ પકડાવી પોતાનું કામ કરાવી જાય છે. ટૂંકમાં, આ કારોબારમાં જોડાયેલી ગેંગને કંડલા-મુંદરામાં ફરજ બજાવી ગયેલા એક અધિકારીના આશીર્વાદ હોવાનું મનાય છે. અધિકારી છેવટે જાણ થાય છે અને વચલો રસ્તો કાઢી માલ હંમેશાં છોડાવી જવામાં સફળતા મળે છે. મિસડિકલેરેશન કાર્ગો ફક્ત મુંદરા બંદર ઉપર જ કેમ આવે છે ? તો જવાબ આપતાં સૂત્રો જણાવે છે કે કસ્ટમ તેમના કેટલાક પલળેલા અધિકારીઓ માલ મુંદરા મગાવોનુ ઇજન આપે છે. તાજેતરમાં મુંદરા ખાતે ફરજ બજાવી રહેલા એક અધિકારીની અનેક ફરિયાદો બાદ તેની તાત્કાલિક અસરથી તેની  કંડલા ખાતે બદલી કરી... પણ ત્યાં પણ એક પ્રકરણમાં 50 લાખ રૂા. જેટલી રકમ માગતાં આયાતકારે દિલ્હી મિનિસ્ટ્રીમાં ફરિયાદ કરતાં ચીફ કમિશનરે તાત્કાલિક કંડલા ધસી જઇ ભ્રષ્ટ અધિકારી પાસેથી નામ માત્રનો એક ચાર્જ લઇ સંતોષ માન્યો હતો. મુંદરા કસ્ટમમાં દાણચોરીમાં સંકળાયેલા કસ્ટમ એજન્ટો સામે અનેક કેસો છે, છતાંય તેના લાયસન્સ રદ્દ કરતા નથી કે ધાક બેસાડતી સજા કરવામાં આવતી નથી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer