વળી કચ્છમાં આવતા મહિને ચૂંટણી

ભુજ, તા. 18 : હજુ હમણા જ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂરી થઇ છે ને કોરોના ફેલાવવામાં જાણે ચુનાવી માહોલ નિમિત્ત?બન્યો હોય તેમ ફરી કચ્છમાં આવતા મહિને ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્રણેક મહિના પહેલાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કચ્છમાં સંપન્ન થઇ હતી ને હવે મળતી માહિતી પ્રમાણે ગ્રામીણ એટલે કે ગ્રામ પંચાયત કક્ષાએ પેટા ચૂંટણીઓ યોજવાનો તખતો ગોઠવાઇ રહ્યો છે. કલેક્ટર કચેરીની ગ્રામ્ય ચૂંટણી શાખાના મામલતદાર રાહુલ ખાંભલાએ માહિતી આપી કે જુલાઇ મહિનામાં પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થનાર છે. જુલાઇના પ્રથમ સપ્તાહમાં કાર્યક્રમ જાહેર થયા બાદ જુલાઇ અંતમાં મતદાન થઇ?શકે છે. ભુજ તાલુકાની સુખપર, મદનપુર, નથ્થરકુઇ, કૂવાથડા, સૂરજપર, ભારાપર ગ્રામ પંચાયત ઉપરાંત ભેરૈયા, માતાના મઢ, દોલતપર, ભચાઉના વોર્ડ-2 ઉપરાંત ભુજ શહેરની પેટાચૂંટણીઓ યોજાશે.વિશેષમાં તેમણે જણાવ્યું કે, આગામી ડિસેમ્બરમાં કચ્છની 425 ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યોની મુદ્દત પૂરી થતી હોવાથી ડિસેમ્બરના અંતમાં આ 425 ગ્રામ્ય સુકાની માટે પણ ચૂંટણી યોજાશે. આ માટેની અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે.હવે જ્યારે ગ્રામ્ય કક્ષાના સુકાની ચૂંટવા માટે જુલાઇ  બાદ ડિસેમ્બરમાં ચૂંટણી થવાની છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ મતદારો કે આમ નાગરિકોએ કોરોના બીમારીને ભૂલવાની નથી, આ જ ચૂંટણીઓ થકી કચ્છમાં મહામારીએ અચાનક માથું ઊંચક્યું ને  અનેક નિર્દોષ લોકો સંક્રમિત થયા, તો કેટલાકનાં મૃત્યુ પણ થઇ ચૂક્યાં છે ત્યારે હવે ગંભીરતાપૂર્વક મતદાન કે પ્રચાર દરમ્યાન તકેદારી રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. કારણ કે આપણે ચુનાવી માહોલના ઉત્સાહમાં આવીને કોરોના ભૂલી જઇએ છીએ ને આવા જ કારણોસર હવે કદાચ ત્રીજી લહેર આવી શકે. આ બાબત ગંભીરતાથી વિચારવાની સલાહ અપાઇ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer