દેશલપર (ગું.)માં અઠવાડિયાથી પીવાનાં પાણીના ઊઠેલા ધાંધિયા

દેશલપર (તા. નખત્રાણા), તા. 18 : પશ્ચિમ કચ્છના દેશલપર (ગું.) ગામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની સમસ્યા ગંભીર-ઘેરી બનતાં લોકો ઉનાળામાં ત્રાહિમામ પોકરી ઊઠયા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, રસલિયા સમ્પથી પાણી પુરવઠાની લાઇનમાં વર્ષોથી પાણી આવી રહ્યું છે. ગામના ટાંકાઓ ભરાઇ જતા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી ટાંકાઓ ભરાતા નથી. આ અંગે વારંવાર રજૂઆતો તેમજ પાણી પુરવઠાના ના.કા.ઇ. પણ સ્થાનિક મુલાકાત લઇ ગયા છતાં આ જ દિવસ સુધી પાણીની સમસ્યા હલ થઇ નથી. એકબાજુ સરકાર અનેક યોજનાઓ બનાવે છે પરંતુ આ વિસ્તારના ગામડાંઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. વધુમાં આક્ષેપ કરતાં જણાવે છે કે રસલિયાથી આવતી પાઇપલાઇનમાં અનેક જગ્યાઓએ ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યા છે, તંત્ર તેમની સામે કડક પગલાં કેમ નથી લેતું ? આ ઉપરાંત આ વર્ષો જૂની લાંબી લાઇન પર સરકારી કર્મચારી ફક્ત એક જ છે. લાઇનોમાં વારંવાર ભંગાણ પડે છે જેને એક કર્મચારી મરંમત કેવી રીતે કરી શકે ? આથી આ લાઇન ઉપર અન્ય કર્મચારીઓની નિમણૂક કરવી આ સમયે જરૂરી છે તેવું ગ્રામજનો ઉમેરે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer