વરસાદ વેરી : પહેલો દિ'' ધોવાઈ ગયો

સાઉથમ્પટન તા. 18: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ભારત વિરૂધ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચનો પહેલો આખો દિવસ વરસાદમાં ધોવાઇ ગયો છે. સાઉથમ્પટનમાં સતત વરસાદને લીધે ટોસ પણ થયો ન હતો. અમ્પાયર્સે ભારતીય સમય અનુસાર સાંજે 7-1પ વાગ્યે મેદાનનું નિરીક્ષણ કરીને પહેલા દિવસ રમત સમાપ્ત જાહેર કરી દીધી હતી. આથી વિશ્વના લાખો ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. આવતીકાલે પણ વરસાદના વિઘ્નની આગાહી થઇ છે. ફાઇનલ મેચ માટે આઇસીસીએ 23 જૂન રિઝર્વ ડે રાખ્યો છે. જો બાકીના 4 દિવસમાં પરિણામ આવશે નહીં તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 144 વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો આ પહેલી વર્લ્ડ કપ ફાઇનલ મેચ છે. જેમાં વરસાદ વેરી બન્યો છે.સાઉથમ્પટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 6 ટેસ્ટ મેચ રમાયા છે. જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમને બે મેચમાં અને પછી બેટિંગ કરનાર ટીમને એક મેચમાં જીત મળી છે. આથી ફાઇનલમાં ટોસની ભૂમિકા મહત્વની બની રહેશે. અહેવાલ અનુસાર પિચ પર ઘાસ છે. આથી ભારતની જાહેર કરેલી ઇલેવનમાં ફેરફાર થઇ શકે છે. તેવો કોમેન્ટેટર સુનિલ ગાવસ્કરે સંકેત આપ્યો હતો. ગાવસ્કરે કહ્યંy કે વરસાદ અને ઘાસવાળી પિચ હોવાથી ભારતીય ઇલેવનમાં વધુ એક બેટસમેન તરીકે હનુમા વિહારીનો સમાવેશ થઇ શકે છે. ગાવસ્કર કહે છે કે ટોસ ઉછાળતી વખતે બન્ને કેપ્ટન એક-બીજાની ટીમની યાદી સોંપે છે. તે ઇલેવન આખરી ગણાય, તે પહેલા ફેરફાર થઇ શકે છે. 

© 2022 Saurashtra Trust