પહેલા વરસાદમાં જ ભુજમાં 30 હજાર ઘરોમાં વીજળી ગુલ : ટીમો કામે લાગી

ભુજ, તા. 18 : મોસમના પહેલા જ વરસાદમાં ભુજ શહેરમાં સૌથી પહેલાં અસર વીજ તંત્રની સેવા શરૂ ઉપર પડી હતી. બપોરે 1 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો ને શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇટ બંધ થઇ હતી. સિટી-1 અને સિટી-2 એમ બે વિભાગમાં વહેંચાયેલા ભુજ શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અંદાજે 30 હજાર જેટલા ગ્રાહકોની વીજસેવા ખોરવાઇ ગઇ હતી. એક બાજુ બપોરનો સમય હોવાથી ગરમીથી અકળામણને ચાલુ વરસાદે વીજળી બંધ થઇ જતાં શહેરીજનો પરેશાનીમાં મુકાઇ ગયા હતા. તબક્કાવાર શહેરના આઠેક ફીડર બંધ થતાં 30 હજાર જેટલા ગ્રાહકોની લાઇટ બંધ થતાં તુરંત ટીમો કામે લાગી હતી. ભુજ સિટી-1ના જુનિયર ઇજનેર ભગીરથસિંહ જાડેજાને પુછાતાં તેમણે જણાવ્યું હતું કે, અમારા સાત ફીડર બંધ થયા પછી એકને બાદ કરતાં તમામ ચાલુ કરી દેવાયા છે. ઇન્સ્યુલેટર ઉપર ધૂળ જામેલી હોવાથી ભેજ પડતાંની સાથે વિક્ષેપ પડે છે. અમારી પાંચ ટીમો વરસતા વરસાદે થાંભલા ઉપર ચડીને કામ ચાલુ રાખ્યું હતું. કયાંક અડધો કલાક તો કયાંક અઢી કલાક વીજળી બંધ રહી હતી. એક માત્ર સર્કિટ હાઉસ ફીડરમાં ભૂગર્ભમાં ક્ષતિ સર્જાતાં સાંજ સુધી કામ ચાલુ હતું ને મોડેથી ચાલુ થઇ જશે એમ જણાવ્યું હતું. 

© 2022 Saurashtra Trust