જી.કે.ને કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે કરાતી સજ્જ

ભુજ, તા. 18 : કોરોનાની ત્રીજી લહેર વિશે તબીબો, વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિકો સંભાવના દર્શાવી રહ્યા છે, ત્યારે સંભવિત પરિસ્થિતિ માટે તૈયાર રહેવા અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ પણ તૈયારીમાં પરોવાઇ ગઇ છે. તો બીજી તરફ જિલ્લા કલેકટર વહીવટીતંત્રે પણ હોસ્પિટલને સહાયભૂત થવા તત્પરતા દર્શાવી હોવાનું જી.કે.ના ચીફ મેડી. સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું. ડો. હિરાણીએ જણાવ્યું કે, અત્યારે બાળક અને નવજાત શિશુ ત્રીજી લહેર માટે સંવેદનશીલ મુદ્દો હોવાથી બાળ વિભાગ સુસજ્જ થાય તે માટે હાલ તુરંત 102 બેડની તૈયારી કરવામાં આવી છે, જેમાં 20 એન.આઇ.સી.યુ., 20 પી.આઇ. સી.યુ., 42 બાળકના વોર્ડ અને 20 પથારી શંકાસ્પદ કેસ માટેની તૈયારી ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. એવી જ રીતે વહીવટી તંત્રના પાસેથી સી.પેપ, વેન્ટિલેટર તથા મોનિટર (પીડિયા) તેમજ આનુષંગિક ઉપકરણો મળે એ દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. ત્રીજી વેવમાં બાળકો ઉપરાંત ગર્ભવતી મહિલાને પણ અસર થઇ શકે છે એવી સંભાવના ઉપર વિચારીને પ્રસૂતા માટે પણ તૈયારી શરૂ કરાઇ છે. ઉપરાંત, જરૂરી દવા, જગ્યા અને વધારાનાં બેડ પીડિયા વિભાગની આવશ્યકતા મુજબ સજ્જ કરવા નક્કી કરવામાં આવ્યું છે. જી. કે. જનરલ હોસ્પિટલમાં બીજી લહેર દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ હોવાથી એ મુજબ વ્યવસ્થા ગોઠવાઇ હતી. અત્યારે ઓક્સિજનના ચાર પ્લાન્ટ અને એક લિકિવડ ટેન્ક ઉપલબ્ધ છે. તો બીજી તરફ નવો સ્ટાફ વધારવા તેમજ નર્સિંગ સ્ટાફને ત્રીજી વેવ માટે ખાસ કરીને પીડિયા વિભાગમાં કામ કરવા માસ તાલીમ પણ અપાશે એવું ડો. હિરાણીએ ઉમેર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer