ગાંધીધામના કાસેઝમાં ધાડના ઇરાદે ઘૂસેલા પાંચ શખ્સની ધરપકડ

ગાંધીધામના કાસેઝમાં ધાડના ઇરાદે ઘૂસેલા પાંચ શખ્સની ધરપકડ
ગાંધીધામ તા. 16 : શહેરના કાસેઝમાં ધાડની કોશિશના બનાવમાં સ્થાનિક પોલીસે પાંચ શખ્સને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી હથિયાર કબ્જે લેવાયા હતા. શહેરના કાસેઝમાં આવેલી એક કંપનીના પ્રવાહી ભરેલા બેરલ પડયા હતા, ત્યાં ગોદામ બાજુ અમુક શખ્સો ઘૂસ્યા હતા. ઝોનની ખાનગી સુરક્ષા કંપનીના કર્મીઓ તથા સરકારી સુરક્ષા કર્મીઓએ આ શખ્સોને પડકારતાં આ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં અમુક કર્મચારીઓને ઇજાઓ પણ પહોંચી હતી. આ પ્રકરણની તપાસ કરતી સ્થાનિક પોલીસે કિડાણા અને ખારી રોહરના અસગર ઇસ્માઇલ ચાવડા, ઇબ્રાહીમ હાજી ચાવડા, ઉમર કાસમ ચાવડા, લિયાકત કાસમ ચાવડા અને મુસ્તાક કાસમ સોઢાને પૂર્વ બાતમીના આધારે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી ધારિયું, ધોકા નંગ-2, લાકડાંની સીડી તથા ચાર મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ શખ્સો કિડાણા બાજુથી સીડી રાખી કાસેઝની દીવાલ કૂદી અંદર ઘૂસતા હતા અને બાદમાં રસ્સા વડે સીડી અંદર ખેંચી લેતા હતા તેમજ બહાર જતી વેળાએ સીડી લગાવી અને બાદમાં બહારથી રસ્સા વડે સીડી ખેંચી લેતા હતા. પકડાયેલા આ શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેમના રિમાન્ડ મંજૂર ન થતાં તમામને જેલહવાલે કરાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer